December 29, 2024

મે મહિનામાં કુલ 10 દિવસ બંધ રહેશે શેર માર્કેટ, નોંધી લો તારીખ

અમદાવાદ: નાણાકીય વર્ષ 2024-25નો પહેલો મહિનો પુરો થવા જઈ રહ્યો છે. શેર માર્કેટમાં આ મહિનાના માત્ર બે દિવસ બાકી છે. એ બાદ આજ અઠવાડિયે નવા મહિનાની શરૂઆત થશે. આ નવા મહિના એટલે કે મે મહિનામાં શેર માર્કેટ 10 દિવસ માટે બંધ રહેશે.

મહિનાના પહેલા દિવસે જ રજા
નવા મહિનાના પહેલા દિવસે એટલે કે 1 મેના દિવસે બુધવારે શરૂ થાય છે. એજ દિવસે શેર માર્કેટમાં રજા છે. 1મેના રોજ મહારાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં સાર્વજનિક રજા હોય છે. આથી BSE અને NSEમાં પણ રજા હોય છે.

આ કારણે મહારાષ્ટ્ર દિવસ ઉજવાય છે
મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 મેના રોજ જ થઈ હતી. ભાષાકીય આધાર પર દેશમાં રાજ્યોની રચનાને મંજૂરી આપવામાં આવ્યા બાદ 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર એક નવા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. આ પ્રસંગની યાદમાં મહારાષ્ટ્ર સ્થાપના દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. આ અવસર પર માત્ર શેરબજાર જ નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં બેંકો પણ બંધ રહેવાની છે.

આ પણ વાંચો: અમિત શાહનો ફેક વીડિયો વાયરલ, દિલ્હી પોલીસે નોંધી FIR

લોકસભાની ચૂંટણીને કારણે રજા
મે મહિનામાં શેરબજાર માટે વધુ રજાઓ છે. મહિના દરમિયાન 20મી (સોમવાર)ના રોજ પણ સ્થાનિક શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. લોકસભાની ચૂંટણીને કારણે મે મહિનાની આ બીજી રજા છે. સામાન્ય ચૂંટણી 2024ના પાંચમા તબક્કા હેઠળ મુંબઈની તમામ છ લોકસભા બેઠકો પર 20 મેના રોજ મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં શેરબજાર તે દિવસે પણ ટ્રેડિંગ માટે બંધ રહેવાના છે.

એક મહિનામાં કુલ 10 રજાઓ
કેટલાક અપવાદોને બાદ કરતાં શેરબજારો દર સપ્તાહના અંતે બંધ રહે છે. સોમવારથી શુક્રવાર સુધીના અઠવાડિયામાં 5 દિવસ બજાર ચાલે છે, જ્યારે દર અઠવાડિયે શનિવાર અને રવિવારે બે દિવસની રજા હોય છે. જો સપ્તાહાંતની રજાઓનો સમાવેશ કરવામાં આવે તો મે મહિના દરમિયાન સ્થાનિક શેરબજારમાં કુલ 10 રજાઓ રહેશે. શનિવારના કારણે 4 મે, 11 મે, 18 મે અને 25 મેના રોજ બજાર બંધ રહેશે, જ્યારે રવિવારના કારણે 5 મે, 12 મે, 19 મે અને 26 મેના રોજ માર્કેટમાં કોઈ વેપાર થશે નહીં.