November 16, 2024

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષાના નિર્ણયને શાળા સંચાલક મંડળે અવકાર્યો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા હવે ધો.12 વિજ્ઞાન પ્રવાહની જેમ ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયોની પુરક પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવતા સંચાલક મંડળ દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે. સંચાલક મંડળનુ માનવુ છે કે આ પ્રકારના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટશે.

ગુજરાત માધ્યિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો 10માં 2 વિષયની, ધો 12 સામાન્ય પ્રવાહમાં એક વિષય અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા આપીને પરિણામ સુધારી શકતા હતા. પરંતુ, માર્ચ 2024થી પરિક્ષા પધ્ધતિમાં ફેરફાર કરીને ધો12 વિજ્ઞાન પ્રવાહમા તમામ વિષયની પુરક પરિક્ષા આપીને વિદ્યાર્થી બેસ્ટ ઓફ ટુ પરિણામ સુધારવાની તક આપવામા આવી હતી.

પરંતુ, આ પ્રકારનો લાભ સામાન્ય પ્રવાહ અને ધો 10ના વિદ્યાર્થીઓને મળતો નહતો. જેને લઇને બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવતા પરિક્ષા પધ્ધતિમાં સુધારો કરીને વિદ્યાર્થી લક્ષી નિર્ણય લેવામા આવ્યો છે. જેથી હવે ધોરણ-12 સાયન્સની જેમ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ બેસ્ટ ઓફ ટુ મુજબ પરિણામ સુધારવાની તક મળશે. આ માટે બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષા ઉપરાંત પૂરક પરીક્ષામાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે. આ વખતે માર્ચથી શરૂ થનારી પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ તમામ વિષયોની પરીક્ષાનું આયોજન કરાશે

ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ આ પ્રકારના નિર્ણયથી રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટશે. ધો 10મા અંદાજીત 11 લાખ વિદ્યાર્થી પૈકી 3 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને પુરક પરિક્ષા દરમિયાન 30 ટકા જ ફોર્મ ભરાતા જુજ વિદ્યાર્થીઓ પાસ થાય છે અને અન્ય વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ કરતા નથી.. ધો 12માં પણ ચાર લાખ પૈકી એક લાખ વિદ્યાર્થી નાપાસ થતા વિદ્યર્થીઓ અધવચ્ચે અભ્યાસ છોડી દે છે ત્યારે બોર્ડ ના નિર્ણયથી રાજ્યમાં શિક્ષણનુ સ્તર ઉચુ આવશે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામા પણ મદદ મળશે.