અનામતની આગ ભભૂકશે
આપણા દેશમાં ભાગ્યે જ લોકો વિકાસ માટે રસ્તાઓ પર ઉતરી પડે છે. વી વોન્ટ ડેવલપમેન્ટના નારા સાથે વિરોધ પ્રદર્શન ભાગ્યે જ જોવા મળે છે. ધર્મ અને અનામત આ બે મુદ્દે એનાથી તદ્દન વિપરીત સ્થિતિ છે. એક તણખલું પણ દાવાનળનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે અમારે અનામતની જ વાત કરવી છે. જેનું કારણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. આ ચુકાદાની ચારેકોર ખૂબ ચર્ચા થઈ રહી છે. જેનાથી અનામતની વ્યવસ્થામાં ખૂબ જ ફેરફારો થઈ શકે છે. અમે તમને આખો મામલો વિસ્તારથી સમજાવીશું.
સુપ્રીમ કોર્ટે અનામતને લઈને તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી દેશના અનેક સમાજને અસર થશે. એટલું જ નહીં રાજનીતિનાં સમીકરણો પણ બદલાઈ શકે છે. આ ચુકાદાનો સાર એટલો જ છે કે, રાજ્યોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી ક્રીમી લેયરની ઓળખ કરવી પડશે. આ ક્રીમી લેયરને અનામતના લાભમાંથી બાકાત રાખવું પડશે. સરળ શબ્દોમાં કહીએ તો આર્થિક રીતે સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ના મળવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ.
સુપ્રીમ કોર્ટનો ઇરાદો ખૂબ જ સારો છે. સવાલ એ છે કે, રાજકીય પાર્ટીઓ એનો યોગ્ય રીતે અમલ કરશે ? રાજકીય પાર્ટીઓ જુદા-જુદા સમાજોને વોટ બેંક તરીકે જોતી હોવાના કારણે જ સ્વાભાવિક રીતે આ સવાલ થાય. સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ચન્દ્રચુડ, જસ્ટિસ બી. આર. ગવઈ, વિક્રમ નાથ, બેલા ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીષ ચન્દ્ર શર્મા સામેલ હતા. આ બેન્ચે જબરદસ્ત ચુકાદો આપ્યો હતો. આ બેન્ચે આ પહેલાંના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો હતો. હવે, કયા ચુકાદાને ઉથલાવી દેવામાં આવ્યો હતો એ પણ જાણવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે 2004માં એક ચુકાદો આપ્યો હતો. આંધ્ર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ ઇ. વી. ચિનૈયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ક્વોટામાં કોઈ પેટા ક્વોટા ના હોય શકે. એટલે કે, SC અને ST કેટેગરીમાં વધુ વિભાજનના થઈ શકે. SCની અંદર એક જાતિને 10 ટકા, બીજી જાતિને 20 ટકા એ રીતે વિભાજન ના થઈ શકે. હવે, આ ચુકાદાને આ વર્ષે સાત જજોની બેન્ચે ઉથલાવી દીધો. એટલે કે રદ કરી દીધો હતો. હવે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરાઇઝેશનને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે અનામતનું વિભાજન થઈ શકશે. આ ચુકાદો આવતા જ ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. જોકે, જાહેરમાં મિક્સ્ડ રિએક્શન્સ આવ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું હતું કે, તેઓ આ ચુકાદાની વિરુદ્ધમાં રિવ્યૂ પીટિશન ફાઇલ કરશે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની પ્રશંસા કરી છે.
આ ચુકાદાથી અનેક રાજ્યોની રાજનીતિને વ્યાપક અસર થશે. જાતિ આધારિત રાજકારણ રમતી પાર્ટીઓએ તેમની વ્યૂહરચના બદલવી પડશે. હવે, SC અને STના ક્વોટામાં પેટા ક્વોટા લાવવામાં આવશે. જેના લીધે સ્વાભાવિક રીતે સવાલ થાય કે, કેટેગરીના વિભાજનથી કઈ જાતિને ફાયદો થશે અને કઈ જાતિને નુકસાન થશે ? સ્વાભાવિક રીતે સત્તામાં રહેલી પાર્ટીઓ પોતાની વોટબેંક હોય એવી જાતિઓને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી શકે છે. હવે, માત્ર અનામત જ નહીં પરંતુ રાજકારણ પણ SC અને STની જાતિઓમાં ડિવાઇડ થઈ જશે.
અદાલતે રાજ્ય સરકારોને SC અને STમાં સબ કેટેગરાઇઝેશનની મંજૂરી આપી છે. ઉદાહરણ તરીકે SC કેટેગરીમાં 15 ટકા અનામત આપવામાં આવ્યું હોય તો એમાં પણ વિભાજન થશે. એટલે કે, આ કેટેગરીમાં 46 જાતિઓ હોય તો એમાંથી કઈ જાતિને કેટલા ટકા અનામત આપવું જોઈએ, એનો વિચાર કરીને ક્વોટાનું વિભાજન થશે. રાજ્ય સરકારો જ આ નિર્ણય કરી શકશે. સ્વાભાવિક રીતે એના લીધે રાજ્યો મુજબ સ્થિતિ બદલાશે. એટલે કે, કોઈ એક જાતિને એક રાજ્યમાં વધારે અનામત મળી શકે છે જ્યારે બીજા રાજ્યમાં અનામત ઓછું મળી શકે છે.
20 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જાતિઓનું વિભાજન ના થઈ શકે. જોકે, હવે વિભાજન કરી શકાશે. જોકે, રાજકીય પાર્ટીઓ મનફાવે એમ ક્વોટામાં પેટા ક્વોટા ના આપી શકે. ચુકાદામાં એના માટે કેટલાક નિયમો છે. જેમ કે, એક જ જાતિને 100 ટકા ક્વોટા ન આપી શકાય. એટલે કે, ધારો કે, કોઈ રાજ્યમાં SC કેટેગરીમાં 30 જાતિઓ આવતી હોય તો એમાંથી માત્ર એક જ જાતિને પૂરેપૂરું અનામત ના આપી શકાય. એક જાતિને જ અનામતનો પૂરેપૂરો લાભ આપવામાં આવે તો બીજી જાતિઓને અન્યાય થઈ જાય. આખો મામલો રાજ્ય સરકારોની મુનસુફી પર છોડવામાં આવ્યો છે.
આપણા ભારતમાં દુખદ વાત એ છે કે, રાજકારણીઓ વોટબેંકના આધારે જ તમામ નિર્ણયો લેતા હોય છે. રાજ્ય સરકાર SC કે STમાં કોઈ જાતિને પચાસ ટકા અને બાકીની તમામ જાતિના લોકો માટે પચાસ ટકા અનામત ફાળવી શકે છે. સુપ્રીમ કોર્ટ પણ આ વાત સારી રીતે જાણે છે. એટલે જ અદાલતે પોતાના ચુકાદામાં કેટલીક શરતો મૂકી છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈ પણ નિર્ણય નક્કર ડેટાના આધારે જ લેવો જોઈએ. એટલે કે, ધારો કે, SC કે ST કેટેગરીમાં સરકાર કોઈ જાતિને વધારે અનામત આપવા ઇચ્છતી હોય તો એનો આધાર હોવો જોઈએ. આધાર એટલે કે, એ ચોક્કસ જાતિના લોકો ખરેખર પછાત છે એ વાત પુરવાર કરતો ડેટા હોવો જોઈએ. જેથી પાર્ટીઓ વોટબેંકના આધારે નિર્ણય ના લઈ શકે અને સાથે જ જરૂરિયાતમંદ જાતિના લોકોને જ લાભ મળી શકે.
સુપ્રીમ કોર્ટે આ આદેશ તો આપી દીધો છે, પરંતુ વધુ એક સવાલ થાય છે કે, આ ડેટા કઈ રીતે તૈયાર કરાશે ? વળી, રાજ્ય સરકારોના ડેટાને કેવી રીતે વેરિફાઈ કરવામાં આવશે ? સ્વાભાવિક રીતે વિવાદ તો થવાનો જ છે. ધારો કે, કર્ણાટકની રાજ્ય સરકાર માટે વોટબેંકની દૃષ્ટિએ હોલેયા જાતિ મહત્ત્વની છે. આ જાતિનું નામ માત્ર ઉદાહરણ તરીકે જ અમે લઈ રહ્યા છીએ. કર્ણાટકમાં રાજ્ય સરકાર હોલેયા જાતિ માટે SCના 15 ટકામાંથી પાંચ ટકા અનામત રાખે તો બીજી જાતિના લોકો નારાજ થઈ જાય. તેમને અન્યાય થયો હોવાનું લાગી શકે છે. નારાજ થઈને સ્વાભાવિક રીતે તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકે છે. જેના કારણે વિવાદ વધવાની શક્યતા છે. આપણા દેશનાં અનેક રાજ્યોમાં જાતિ આધારિત રાજકારણ ખૂબ જ હાવિ થઈ ગયું છે. જેના કારણે જ રાજ્ય સરકારો ચોક્કસ જાતિઓને ફાયદો કરાવી શકે છે. એવી સ્થિતિમાં બીજી જાતિઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકે છે. જેના કારણે લીગલ કેસીસ વધી શકે છે.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી દેશમાં અનામતની વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફારો થશે. SC અને STના ક્વોટામાં પેટા ક્વોટાનો નિર્ણય લઈ શકાશે. રાજ્ય સરકારોએ હવે, અનામતના વિભાજનનો નિર્ણય લેતા સમયે સો વખત વિચાર કરવો પડશે. કેમ કે, જો કોઈ એક જાતિને વધારે અનામત મળશે તો બીજી જાતિઓ નારાજ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચને એનો ખ્યાલ જ હતો. એટલા માટે જ લોકોને અન્યાયથી બચાવવા માટે અદાલતે જણાવ્યું હતું કે, SC અને ST ક્વોટામાં કોઈ પણ ફેરફારની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. એટલે કે, જો તમને લાગે કે, તમારી સાથે અન્યાય થયો છે કે, તો તમે અદાલતમાં જઈ શકો છો. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે રાજ્ય સરકારોના નિર્ણયોથી વિવાદો વધી શકે છે. જેના કારણે અદાલતોમાં લીગલ કેસ પણ વધી જશે. બલકે, આ રીતે અનામતનું જ નહીં પરંતુ જાતિ આધારિત રાજકારણનું પણ વિભાજન થઈ ગયું છે. એટલે કે, હવે SC કે ST સંપૂર્ણપણે એક વોટબેંક નહીં રહે. આ વોટબેંકની અંદર પણ અનેક શાખાઓ રહેશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ માટેના અનામતને એમાં સામેલ જાતિઓના આધારે વહેંચવાથી બંધારણની કલમ 341નો ભંગ થતો નથી. જસ્ટિસ બેલા ત્રિવેદી આ બેન્ચના બીજા જજોના અભિપ્રાયથી સંમત નહોતા. તેમણે તર્ક આપ્યો હતો કે, આ રીતે ક્વોટામાં ક્વોટા વહેંચવા માટે છૂટ ન આપી શકાય. કેમ કે, એનાથી કાયદાનો ભંગ થાય છે. બંધારણની કલમ 341 હેઠળ કઈ જાતિના લોકોને અનામતનો લાભ આપવો જોઈએ એનો નિર્ણય રાષ્ટ્રપતિ જ લઈ શકે છે. જોકે, હવે આ અધિકાર રાજ્ય સરકારોને આપવામાં આવ્યો છે. એટલે કે, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિનો પાવર ઘટાડી દીધો છે. જેના માટે સુપ્રીમ કોર્ટે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો હતો. જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણી દરમ્યાન બેન્ચના બીજા જજોના અભિપ્રાયોથી અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જાતિઓને અનામત આપવાના મામલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ જ નિર્ણય લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે ક્વોટામાં ક્વોટા માટે રાજ્ય સરકારોને છૂટ આપતો આ ચુકાદો કયા કેસમાં આપ્યો એ પણ જાણવું પડે. એટલે આ કેસમાં થોડાક વધુ ઊંડા ઉતરવું પડે. આખા ભારતમાં SC કેટેગરીમાં જુદી-જુદી જાતિઓ માટે અનામતની જુદી-જુદી ટકાવારીનો નિર્ણય પંજાબમાં લેવાયો હતો. આ મામલો છેક 1975નો છે. 1975માં પંજાબ સરકારે રિઝર્વ બેઠકોને બે કેટેગરીમાં વહેંચી દીધી. એક કેટેગરીમાં વાલ્મિકી સમાજ અને મઝહબી શીખોને રાખવામાં આવ્યા હતા. બીજી કેટેગરીમાં બાકીની તમામ જાતિઓને રાખવામાં આવી હતી. એટલે કે, વાલ્મિકી સમાજ અને મઝહબી શિખોને અનામતનો વધારે લાભ આપવામાં આવ્યો હતો. માની લો કે, SCમાં 15 ટકા અનામત હોય તો સાડા સાત ટકા અનામત વાલ્મિકી સમાજ અને મઝહબી શીખોને જ્યારે બાકીના સાડાસાત ટકામાં SC કેટેગરીના બીજા તમામ સમાજોનો સમાવેશ કરી દીધો હતો. આરામથી આ વ્યવસ્થા ચાલી રહી હતી. કોઈને કોઈ ફરિયાદ જ નહોતી.
2004માં આ મામલે એક વળાંક આવ્યો. આંધ્ર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ ઇ. વી. ચિનૈયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ક્વોટામાં વિભાજન ના થઈ શકે. અદાલતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર SC કે ST માટેના અનામતનું વિભાજન ના કરી શકે. સ્વાભાવિક રીતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખા દેશે માનવો પડે. પંજાબ સરકારે પણ કમને આ ચુકાદાને માન્યો હતો. જેના કારણે પંજાબ સરકારે આ નિર્ણયને રદ કરી દીધો હતો. જોકે, પંજાબ સરકારે હાર નહોતી સ્વીકારી. રાજ્ય સરકાર પંજાબ – હરિયાણા હાઈ કોર્ટમાં પહોંચી. હાઈ કોર્ટે પંજાબ સરકારને કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. એટલે અમલ તો કરવો જ પડે. અમે નીતિ ના બદલી શકીએ. જોકે, પંજાબ સરકારે તો હજી હાર નહોતી માની. 2006માં ફરી નવો કાયદો લાવી વાલ્મિકી અને મઝહબી શિખોનો એક અલગ વર્ગ બનાવી દીધો. બીજી જાતિઓનો એક અલગ વર્ગ બનાવી દીધો હતો. મજેદાર વાત એ છે કે, પંજાબ સરકારે 1975માં જ ક્વોટામાં પેટા ક્વોટાનો અમલ કર્યો હતો. જોકે, એ વખતે પંજાબની જનતાએ કોઈ જ વાંધો નહોતો ઉઠાવ્યો. જોકે, 2004ના સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યો હતો. જેના લીધે લોકોમાં ધીરેધીરે જાગૃત્તિ આવવા લાગી. 2010માં પંજાબ સરકારના ક્વોટામાં પેટા ક્વોટા માટેના નવા નિયમની વિરુદ્ધ લોકો હાઈ કોર્ટમાં પહોંચ્યા. હાઈ કોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો. તમે પંજાબ સરકારની મક્કમતા સમજો. પંજાબ સરકારે હજી હાર નહોતી માની. રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં પહોંચીને 1992માં ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારત સંઘના કેસનું ઉદાહરણ આપીને પોતાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો. આ ચુકાદામાં OBCમાં ક્રીમી લેયરનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. એટલે કે, OBCમાં ક્રીમી લેયર અને નોન ક્રીમી લેયર એમ વિભાજન કરાયું છે. પંજાબ સરકારે દલીલ કરી કે, OBCમાં વિભાજન છે તો પછી SC અને STમાં પણ રિઝર્વ બેઠકોનું વિભાજન થઈ શકે છે.
હવે, ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારત સંઘના કેસની વાત નીકળી છે તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાની વાત કરવી પડે. આ ચુકાદામાં અનામત આપવા માટે રાજ્ય સરકારો પર મર્યાદા લાદવામાં આવી હતી. આ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈ પણ રાજ્ય 50 ટકાથી વધારે અનામત ના આપી શકે. આ સાથે જ કોઈ જાતિ પછાત છે કે નહીં એ નક્કી કરવા માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. OBCમાં સમૃદ્ધ લોકો ક્રીમી લેયરમાં રહે છે. આ કન્સેપ્ટના આધારે જ પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
આખરે સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બેન્ચના 2004ના ચુકાદા પર વિચાર કરવા માટે સાત જજોની બેન્ચ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય 2020માં લેવામાં આવ્યો હતો. જેના ચાર વર્ષ પછી બેન્ચ બનાવવામાં આવી હતી. આ વર્ષે બેન્ચે સુનાવણી કરી હતી. ફેબ્રુઆરીમાં બેન્ચે એનો ચુકાદો અનામત રાખ્યો હતો. આખરે, હવે, આ કેસમાં ચુકાદો આવ્યો છે અને ક્વોટામાં પેટા ક્વોટા માટે રાજ્ય સરકારોને ગ્રીન સિગ્નલ મળી ગયું છે.
સુપ્રીમ કોર્ટે 2004માં પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ક્વોટામાં પેટા ક્વોટા ખરેખર સમાનતાની વિરુદ્ધ છે. એ સમયે અદાલતનું સ્ટેન્ડ હતું કે, SCમાં આવતી તમામ જાતિઓને સમાન તક મળવી જોઈએ. જોકે, હવે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકે છે. જેનાથી જરૂરિયાતમંદ જાતિઓને અનામતનો વધારે લાભ મળશે. આ ચુકાદા પાછળનું લોજિક સમજવું જરૂરી છે. SC અને STમાં અનામતનો લાભ લઈને કેટલીક જાતિઓએ પ્રગતિ કરી. તેમના જીવનસ્તરમાં સુધારો થયો. બીજી તરફ SC કે STમાં આવવા છતાં પણ કેટલીક જાતિઓને પૂરતો લાભ મળ્યો નથી. આ જાતિઓના લોકો વિકાસથી વંચિત રહી ગયા. એટલે રાજ્ય સરકારોની જવાબદારી છે કે, આ જાતિઓના વિકાસ માટે નિર્ણયો કરે.
આ બધા વચ્ચે એક વાતની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. બલકે, એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે. આ સવાલ એ છે કે, જો કોઈ એક વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તો તેના પરિવારની બીજી કે ત્રીજી પેઢીના સભ્યોને પણ અનામતનો લાભ મળવો જોઈએ ? અનેક નિષ્ણાતો કહે છે કે, અમે અનામતના સપોર્ટર છીએ, પરંતુ જો કોઈ એક વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તો તેના પરિવારની બીજી પેઢીને અનામતનો લાભ ના મળવો જોઈએ. હવે, આ વિશે રાજ્ય સરકારો નિર્ણય કરી શકશે. સવાલ એ છે કે, આવા વગદાર લોકો માટે અનામતને નાબૂદ કરવાની હિંમત કોનામાં છે ? અનામતને નાબૂદ કરવાની વાત આવે તો રાજ્યમાં આગ લાગી શકે છે.
જોકે, સાહસ કરીને રાષ્ટ્ર અને તમામ લોકોના હિતમાં રાજ્ય સરકારોએ નિર્ણય લેવો જ જોઈએ. જો કોઈના માતા-પિતા બંને IAS ઓફિસર હોય તો તેને અનામતનો લાભ ના જ મળવો જોઈએ. એ જ રીતે કોઈ ઉદ્યોગપતિના દીકરાને પણ અનામતનો લાભ ના મળવો જોઈએ. આવી સામાન્ય લોકોની માગણી છે. સરકાર કે લોકો અનામત હટાવવાની વાત નથી કરતા. મૂળ વાત એટલી જ છે કે, જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ. એના માટે ઉકેલ લાવવો જોઈએ. દેશમાં OBCમાં ક્રીમી લેયરનો કન્સેપ્ટ છે. એ જ કન્સેપ્ટનો SC કે ST કેટેગરીમાં પણ અમલ કરાવી શકાય છે.
આખરે અનામતનો લાભ જ ઐતિહાસિક અન્યાયના ઘા રુઝાવા માટે કરવામાં આવ્યો હતો. સમાજમાં અનેક લોકોની પેઢીઓએ અન્યાય સહન કર્યો છે. જેના લીધે આખી જાતિ પછાત રહી ગઈ છે. આવી જાતિના લોકોને ન્યાય મળવો જ જોઈએ. જેથી સમાજમાં સમાનતા આવે. વાત એટલી જ છે કે, જો સમૃદ્ધ લોકોના કારણે જરૂરિયાતમંદ લોકોને અનામતનો લાભ ના મળે તો એ જરાય યોગ્ય નથી. એનાથી તો SC કે ST સમાજની અંદર જ નવું વિભાજન થવા લાગશે.
પ્રમોશનમાં અનામતનો પણ એક સળગતો મુદ્દો છે. કલમ 335 અનુસાર પ્રમોશનમાં અનામતનો લાભ આપવા માટે કાર્યક્ષમતાને પણ ધ્યાને લેવી જોઈએ. બીજી તરફ કલમ 85 મુજબ પ્રમોશન વખતે સીનિયોરિટીને ધ્યાને લેવી જોઈએ. હવે, ધારી લો કે, એક જ રેન્કમાં બે અધિકારીઓ છે. હવે, પ્રમોશનનો ટર્ન આવે છે. જોકે, સીટ પહેલાંથી રિઝર્વ હોવાના કારણે SC કેટેગરીના કર્મચારીને પ્રમોશનનો લાભ મળે છે. જેના ત્રણ વર્ષ પછી જનરલ કેટેગરીના કર્મચારીનો પ્રમોશનનો ટર્ન આવે છે. હવે, સવાલ એ છે કે, SC કેટેગરીની વ્યક્તિ અને જનરલ કેટેગરીની વ્યક્તિ એક જ રેન્કમાં આવી જાય તો બંનેમાંથી કોને સીનિયર ગણવા ? નિયમ જાણવો પડે. કલમ 85ના સીનિયોરિટીના નિયમ મુજબ SC કેટેગરીની વ્યક્તિ જ સીનિયર ગણાય.
વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે નાગરાજ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, પ્રમોશનમાં અનામત આપવું હોય તો કર્મચારી પછાત હોવાનું પુરવાર કરો. એ સમયની UPA સરકારે કહ્યું હતું કે, આ લોકો SC અને ST સમુદાયના હોવાના કારણે તેઓ પછાત હોવાનું પૂરવાર કરવાની જરૂર જ નથી. અદાલતે કહ્યું હતું કે, પુરવાર તો કરવું જ પડશે. જેના લીધે આખરે UPA સરકાર બિલ લાવી હતી કે, SC અને ST સમુદાયના લોકો માટે પ્રમોશનની વાત આવે ત્યારે તેમને આપોઆપ પછાત જ ગણી લેવામાં આવશે.
નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી UPA સરકાર સંમત નહોતી. એટલા માટે UPA સરકાર ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી. સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે, કેટલીક છુટ હોવી જોઈએ. જોકે, કાર્યક્ષમતા પર અસર ના થવી જોઈએ.
ભારતમાં OBCમાં ક્રીમી લેયરનો કન્સેપ્ટ છે. જોકે, SC અને ST સમુદાયમાં ક્રીમી લેયરનો કન્સેપ્ટ જ નથી. જેના માટે એક દલીલ કરવામાં આવી છે. OBC એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ. જેનો આધાર જ આર્થિક પછાતપણું હતો. જોકે, SCમાં એવી સ્થિતિ નથી. આ જાતિના લોકોએ હજારો વર્ષોથી ભેદભાવ સહન કર્યો છે. એવી દલીલ કરવામાં આવી છે કે, અનામત ખરેખર ગરીબી નાબૂદી અભિયાન નથી. અનામત માનસિકતા બદલવા માટે છે. માનસિકતા બદલવા માટે SC અને ST સમુદાયના વધારેમાં વધારે લોકો પાવરમાં આવે એ જરૂરી છે. જોકે, એનાથી અલગ મત પણ આપવામાં આવ્યો છે કે, અનામતની સિસ્ટમના કારણે જનરલ કેટેગરી અને અનામતનો લાભ લેનારા લોકોની વચ્ચે અંતર વધ્યું છે.
અમે અનામતની સિસ્ટમની વિરુદ્ધમાં નથી. સાથે જ અમે ઇચ્છીએ છીએ કે, જરૂરિયાતમંદ લોકોને આગળ લાવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે. જોકે, જ્યાં સુધી આપણા દેશમાં વ્યક્તિગત ઓળખ પર જાતિ હાવિ થતી રહેશે ત્યાં સુધી સમસ્યાઓ રહેશે. જાતિની ઓળખના બદલે એક ભારતીય તરીકેની ઓળખને વધારે મહત્ત્વ આપવું પડશે. આવી સ્થિતિ સર્જાશે તો જ અસમાનતા દૂર થશે. બલકે, અનેક સમસ્યા દૂર થઈ જશે.