January 16, 2025

યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: અષાઢી બીજના પાવન પર્વે યાત્રાધામ શામળાજી ખાતે શામળિયાની રથયાત્રા નીકળી હતી. આજે નવા બનાવાયેલ રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ હતી. જ્યાં રથયાત્રા મંદિર પરિસરમાં સાત આંટા ફેરવાઈ હતી અને ભગવાન શામળીયાને પણ વિશેષ સાજ શણગાર કરાયા હતા.

અનેક ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા હતા ત્યાં જ મંદિરના ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઇ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. રથયાત્રા બાદ મગ અને જામ્બુનો પ્રસાદ ભક્તોમાં વહેંચાયો હતો.

પાલનપુરના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ પાલનપુરની નગરચર્યાએ નીકળ્યા છે. હાથી ઘોડા અને શણગાર સાથે ભગવાન જગન્નાથ પાલનપુરના નગરજનોને દર્શન આપી રહ્યા છે. પાલનપુર શહેરમાં 53મી ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને આ રથયાત્રામાં રામજી મંદિરના મહંત સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા નીકળી છે.

આ રથયાત્રા રામજી મંદિર મોટી બજાર, નાની બજાર, તીન બત્તી આદર્શ હાઇસ્કુલ રોડ, લક્ષ્મીપુરા બેચરપુરા હાઇવે વિસ્તાર પોઢી વિસ્તાર સહિતના 14 કિલોમીટરના વિસ્તારમાં આજે આ રથયાત્રા ફરશે અને ભક્તોને ભગવાન જગન્નાથ દર્શન આપશે. ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં અને શાંતિપૂર્વક રથયાત્રા સંપૂર્ણ થાય તે હતું પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને અનેક જગ્યાએ રથયાત્રાનું સ્વાગત અને સામૈયું પણ થઈ રહ્યું છે.