December 22, 2024

પત્નીની નજર સામે પતિની હત્યા કરનારને પોલીસે દબોચી લીધો

બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરના દલવાડા ગામે પત્નીની નજર સામે પતિની હત્યાની ઘટના સામે આવી છે. દલવાડા ગામના બસસ્ટેન્ડ નજીક બે દિવસ અગાઉ બે યુવકો વચ્ચે બોલાચાલી થઇ તો એક યુવકએ બીજા યુવકને ખુલ્લેઆમ તેની પત્નીની નજર સામે છરીના ઘા ઝીંકી દીધા અને મોતને ઘાટ ઉતારી દીધો. જો કે સમગ્ર ઘટનાને લઇ મૃતકની પત્નીએ પતિની હત્યા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી અને હત્યારાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા કથળી હોય તેમ હત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના દલવાડા ગામે પત્નીની નજર સામે પતિની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાલનપુરના દલવાડા ગામે રહેતા સંજયભાઈ નાગરભાઈ બાઈવાડીયા કે જે મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જો કે તેઓ બે દિવસ અગાઉ ઘરે જમીને બાદ ઘર નજીક આવેલા બસ સ્ટેન્ડના ઓટલે બેઠા હતા અને તે જ સમયે પાટણના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામનો જીગર હીરાભાઈ પરમાર નામનો શખ્સ ત્યાં આવ્યો અને આ શખ્સ આવીને તરત સંજયભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યો અને તે બાદ સંજયભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો જો કે સંજયભાઈની પત્ની ઘર બાજુથી જોઈ જતા તે ઝપાઝપીમાંથી પતિને છોડાવવા દોડી આવી. પરંતુ પત્ની ત્યાં પહોંચે તે પહેલા જ જીગરે તેની ફાંટમાં રહેલી છરી કાઢી સંજયભાઈના શરીર પર અલગ અલગ જગ્યાએ છરીના ઘા ઝીંકી દીધા અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો.

જો કે પત્ની ત્યાં પહોંચે તે પહેલા તો પતિ સંજયભાઈ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા. જેને લઇ સંજયભાઈની પત્ની ભગીબેન સહિત આસપાસના લોકોએ ઘટનાની જાણ 108ને કરી અને સંજયભાઈને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા. પરંતુ, સંજયભાઈને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજી ગયું. જો કે ઘટનાને લઈ મૃતકની પત્ની ભગીબેને સમગ્ર ઘટનાની જાણ ગઢ પોલીસને કરી અને ગઢ પોલીસ મથકે પહોંચી પતિની હત્યા કરવા મામલે ઉટવાડા ગામના જીગર પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી.

સમગ્ર મામલે ગઢ પોલીસે ગણતરીના જ દિવસોમાં હત્યારા જીગરને દબોચી લીધો છે. જો કે પોલીસે હત્યારા જીગરને પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરી તો જીગરે હત્યા કરવાનું કારણ જણાવ્યું જે સાંભળી પોલીસ ચોંકી ગઈ. થોડા સમય અગાઉ હત્યારા જીગર અને મૃતક સંજયભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી અને તેનું મનદુઃખ રાખી હત્યારો જીગર સંજયભાઈની હત્યા કરવા ષડયંત્ર ગોઠવી દલવાડા ગામે પહોંચ્યો હતો અને મોકો મળતા જ જીગરે સંજયભાઈનું ઢીમ ઢાળી દીધું. જોકે પોલીસે હત્યારા જીગરની હિસ્ટ્રી તપાસી તો આ હત્યારો જીગર અગાઉ પાટણના વગડોદ પોલીસ મથકના 3 જેટલાં ગુનામાં સાંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસએ અત્યારે તો હત્યારા જીગરને હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.