January 13, 2025

PMએ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યુવાનો સાથે લગભગ 6 કલાક વિતાવ્યા

Viksit Bharat Young Leaders Dialogue: ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા લીડર્સ ડાયલોગ 2025 કાર્યક્રમમાં PM મોદીએ હાજરી આપી હતી. PMએ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યુવાનો સાથે લગભગ 6 કલાક વિતાવ્યા હતા. જેમાં PM મોદીએ યુવાનો સાથે વાતચીત કરી અને તેમના નવીન વિચારો સાંભળ્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ વિવિધ વિષયો પર યુવા નેતાઓ દ્વારા દસ પ્રસ્તુતિઓ નિહાળી, જેમાં સતત વિકાસથી લઈને ટેકનોલોજીને કૃષિ સાથે સંકલિત કરવા અને ભારતને ઉત્પાદન અને સ્ટાર્ટઅપ હબ બનાવવા માટેના સૂચનો સુધીના નવીન વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. PMએ યુવા નેતાઓ સાથે પોતાના વિચારો પણ શેર કર્યા અને વિવિધ વ્યવહારુ સૂચનો અને વિચારો આપ્યા અને યુવાનોને તેના પર કામ કરવા આહ્વાન કર્યું હતું.

દેશભરમાંથી લગભગ 3000 યુવાનોએ આ ચર્ચાઓમાં ભાગ લીધો હતો. એક અનોખી પહેલમાં, PM મોદીએ યુવાઓ સાથે બપોરનું ભોજન પણ લીધું અને ડાઇનિંગ ટેબલ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. બપોરના ભોજન દરમિયાન પૂર્વોત્તરની યુવતીઓએ પણ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી. ત્યારબાદ PMએ યુવાઓને સંબોધિત કર્યા, પોતાના વિઝન શેર કર્યા અને તેમને વિકસિત ભારત તરફની યાત્રાનો ભાગ બનવા વિનંતી કરી.