December 21, 2024

નવસારીના પારસી સમાજે કરી નવરોઝની ઉજવણી, અગિયારીમાં પવિત્ર અગ્નિને સુખડ કર્યા અર્પણ

જીગર નાયક, નવસારી: ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા. 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં સમાજે પવિત્ર અગ્નિનાં દર્શન કરી પારસી 1394માં નવા વર્ષેની શરૂઆત કરી છે.

હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠે આવી પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા. જેમાં ઇરાનના સારી જેવું શહેર લાગતા પારસીઓ નવસારીમાં વસ્યા અને પોતાનું વતન બનાવ્યુ. ઇરાનથી લાવેલા પાક આરસ બહેરામ (અગ્નિદેવ)ને નવસારીમાં અગિયારી બનાવી ઘણા વર્ષો સુધી સાચવ્યો હતો. એજ ઐતિહાસિક અગિયારીમાં આજે પારસીઓ પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરી, પ્રાર્થના કરી હતી.

આજે નવરોઝના દિને પારસીઓએ મોટી સંખ્યામાં અગિયારી બહારથી સુખડના લાકડાના ટૂકડા લઈ પવિત્ર અગ્નિને અર્પણ કર્યા હતા. હજારો વર્ષોની પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ 10 દિવસ મુક્તાદના એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો બાદ પારસીઓ પ્રાયશ્ચિત માટે પતેતી ઉજવે છે. જેમાં નવસારી શહેરના તરોટા બજાર સ્થિત 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આવી પાક આતસ બહેરામને પુષ્પ, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહૂતિ આપી અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી. હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા અને અહીં તેમને ઇરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો હતો. જેથી પારસીઓ નવું સારી નામ આપી અહીં વાસી ગયા હતા. જે આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.