પાટણમાં નવીન આઇ.સી.યુ એમ્બ્યુલન્સ વાન શોભાના ગાંઠીયા સમાન બની

ભાવેશ ભોજક, પાટણ: પાટણ શહેર આરોગ્યલક્ષી સેવાઓ માટે પ્રસિદ્ધ છે અને ન માત્ર ઉત્તર ગુજરાત પણ અહીંયા કચ્છથી લઈ રાજસ્થાન સુધીના દર્દીઓ પાટણમાં આરોગ્યલક્ષી સારવાર કરાવવા આવતા હોય છે. ત્યારે પાટણની વર્ષો જૂની શેઠ એન.એલ. જનરલ સિવિલ હોસ્પિટલમાં બે મીની એમ્બ્યુલન્સ ધૂળ ખાતી પડી રહી છે. આ સિવાય આયોજન વિભાગ દ્વારા સરકારમાં માગણી કરતા સરકારે આ હોસ્પિટલને આપેલ નવીન આઈ.સી.યુ ઈમરજન્સી એમ્બ્યુલન્સનું છેલ્લા ઘણા સમયથી પાર્સિંગ થયેલ ન હોઈ અત્યારે તેને ઉપયોગમાં લઈ શકાતી નથી.
નવીન આઇ.સી.યુ ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સાથે નવી ટેકનોલોજી સાથેની સુવિધાઓ હોવાથી ઇમરજન્સીવાળા દર્દીને ઉપયોગી નિવડે તેવી આધુનિક બનાવવામાં આવી છે. પરંતુ આઇ.સી.યુ એમ્બ્યુલન્સનું પાર્સિંગ ના હોવાના કારણે ઇમરજન્સી દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. નવીન આઇ.સી.યુ એમ્બ્યુલન્સ તમામ ઈમરજન્સી દર્દીઓને ફ્રી ઓફ કોસ્ટ સેવા આપવાની હોય છે. આ નવીન આઇ.સી.યુ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલમાં છે.
જોકે પાર્સિંગ નહીં કરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પ્રાઇવેટ આઇ.સી.યુ એમ્બ્યુલન્સ કરવાની ફરજ પડી રહી છે અને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે આઇ.સી.યુ એમ્બ્યુલન્સને ઝડપથી પાર્સિંગ કરાવી પાટણના દર્દીઓની સેવામાં કાર્યરત કરવા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે.