ભારત-કેનેડાના સંબંધોમાં નુકસાન માટે માત્ર ટ્રુડો જવાબદાર- રણધીર જયસ્વાલ
Delhi: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે સ્વીકાર્યું છે કે જ્યારે તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો હતો, ત્યારે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી અને કોઈ નક્કર પુરાવા ન હતા. હવે આ મામલે વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમણે જે સાંભળ્યું છે તે નવી દિલ્હીના સતત વલણની પુષ્ટિ કરે છે. અમે સતત કહ્યું છે કે કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ સામે ગંભીર આરોપો લગાવવા માટે કોઈ પુરાવા આપ્યા નથી.
વિદેશ મંત્રાલયનું નિવેદન
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદનથી સંબંધિત મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે વહેલી સવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, કેનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લાગેલા ગંભીર આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.’ મંત્રાલય તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વર્તનને કારણે ભારત-કેનેડા સંબંધોને જે નુકસાન થયું છે તેની જવાબદારી એકલા વડાપ્રધાન ટ્રુડોની છે.
Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe
— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024
ટ્રુડોના દાવા
નોંધનીય છે કે ફેડરલ ચૂંટણી પ્રક્રિયાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપ અંગેની જાહેર પૂછપરછના સંદર્ભમાં જુબાની આપતા ટ્રુડોએ એવો પણ દાવો કર્યો હતો કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી જી-20 સમિટમાં જો કેનેડા આ આરોપોને સાર્વજનિક કરી દે તો ભારત માટે આ સમિટમાં ખૂબ જ ખરાબ સ્થિતિ બની શકતી હતી. તેમણે કહ્યું કે અમે આવું ન કરવાનો નિર્ણય લીધો છે. અમે પડદા પાછળ કામ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો જેથી ભારત અમને સાથે સહકાર આપે.
આ પણ વાંચો: બાબા સિદ્દીકી કેસમાં ખુલાસો, 32 હજારમાં ખરીદ્યું બાઈક પણ… કેમ રિક્ષામાં આવી કર્યું ફાયરિંગ?
ભારતનું વલણ સ્પષ્ટ
ઉલ્લેખનીય છે કે ભારતે કેનેડાના તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. આ પહેલા સોમવારે ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. એટલું જ નહીં, તેણે નિજ્જરની હત્યાની તપાસમાં રાજદૂતને જોડવાના ઓટાવાના આરોપોને નકારી કાઢ્યા બાદ કેનેડામાંથી તેના હાઈ કમિશનરને પાછા બોલાવવાની પણ જાહેરાત કરી હતી. ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.