December 26, 2024

PMOના અધિકારીઓના નામે ઠગાઇ કરતી મેવાતી ગેંગ આખરે ઝડપાઇ

મિહિર સોની, અમદાવાદ: PMO ના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને ઠગાઈ કરતી મેવાતી ગેંગ હરિયાણાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી. આ ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ અલગ અલગ પ્રોજેકટ પર રોકાણ કરવાના બહાને છેતરપીંડી કરતી હતી.

આરોપીઓ ભરતસિંહ જાંટવ, ઈર્શાદખાન મેવ, સાબીર મેવ, રાકીબ મેવ, મોહંમદજહાન મેવ અને ઈર્શાદ મેવ મેવાત ગેંગના સભ્યો છે. આ ગેંગએ ગુજરાત, રાજેસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ઠગાઈ કરીને આંતક મચાવ્યો છે. આ આરોપીઓ રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓને ટાર્ગેટ કરતા હતા. તેઓ PMOના ઉચ્ચ અધિકારી બનીને રાજકીય નેતા અને કાર્યકર્તાઓને કોલ કરતા હતા. અને કહેતા હતા કે પ્રધાનમંત્રી તમારી કામગીરીથી અત્યંત ખુશ છે. તેઓ ઈચ્છે છે કે તમે રાજેસ્થાનના માજી મુખ્યમંત્રીના અધ્યક્ષતા હેઠળ જયપુર હાઇવે પર ફાર્મ હાઉસના પ્રોજેકટમાં નાણાંકીય રોકાણ કરો. અને આ પ્રોજેકટ 4 કરોડથી વધુનો છે જો 10 થી 12 લાખનું રોકાણ કરો તો બાકીની રકમ ભેટ સ્વરૂપમાં લેવામાં આવશે તેવું જણાવીને વિશ્વાસ કેળવતા હતા અને ઠગાઈને અંજામ આપતા હતા. આ પ્રકારે ગુજરાતમાં 5 થી વધુ લોકો સાથે છેતરપીંડી આચરી છે.

પકડાયેલા આરોપીની તપાસમાં ખુલાસો થયો કે આ મેવાત ગેંગનો માસ્ટર માઈન્ડ મોહંમદ જહાન મેવ છે. તે સિવિલ એન્જીનીયર છે. અને તે પોતાની ગેંગને એક સ્કૂલમાં બેસાડીને લોકોને ઠગાઈના કોલ કરતો હતો. હરિયાણાની પલવલ જિલ્લામાં આવેલી સ્કૂલ છૂટ્યા બાદ ઠગાઈનું નેટવર્ક શરૂ કરતાં હતાં. જો કે પકડાયેલ મોટા ભાગના આરોપીઓ બોગસ સિમ કાર્ડ લાવીને ફ્રોડ કરવા માટે ઉપયોગ કરતા હતા.મુખ્ય આરોપી મોહમદજહાનની પૂછપરછમાં ગુગલ અને યુટ્યુબ પરથી ઓનલાઈન BJP ના નેતાઓના ડેટા મેળવતા હતા.

આ ઉપરાંત BJP ની સાઇટ પરથી પણ માહિતી એકત્રિત કરતા હતા. અને ત્યાર બાદ કોલ કરીને લોભામણી લાલચ આપીને છેતરપીંડી આચરતા હતા. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો અગાઉ આ આરોપીઓ નટરાજ કંપનીની પેન્સિલ પેકિંગ માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત સોસીયલ મીડિયા પર ફેસબુક માધ્યમથી આપતા હતા. અને 15 હજાર પગારની લાલચ આપીને 620 રજિસ્ટ્રેશનના નામે ઓનલાઈન મેળવી ઠગાઈ કરતા હતા. આ છેતરપીંડી માં ઓછા પૈસા મળતા હતા જેથી વધુ પૈસા મેળવા આ ગેંગએ રાજકીય નેતાઓ ને ટાર્ગેટ કરતા હતા.

મહત્વનું છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રાજકીય નેતાઓ સાથે ઠગાઈ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ગેગ વિરુદ્ધ હરિયાણા અને દિલ્હીમાં ઠગાઈની ફરિયાદ નોંધાઇ છે. હરિયાણા પોલીસે ધરપકડ કરતા ક્રાઇમ બ્રાન્ચે ટાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગમાં સંડોવાયેલો અન્ય કોઈ આરોપીની શોધખોળ શરૂ કરી છે.