May 2, 2024

બ્રિટનની સંસદમાં ઉઠ્યો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મુદ્દો, BBCના કવરેજની થઇ ટીકા

લંડન: બ્રિટિશ સાંસદ સાંસદ બોબ બ્લેકમેને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પર બીબીસી પર સવાલ ઉઠાવ્યા છે. સાંસદ બોબ બ્લેકમેને ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, “ગયા અઠવાડિયે ભારતના ઉત્તર પ્રદેશમાં ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. જેના કારણે દુનિયાભરના હિંદુઓ ખૂબ ખુશ થયા હતા.

વધુમાં તેમણે કહ્યું કે, “પરંતુ દુર્ભાગ્યની વાત છે કે બીબીસીએ જે કવરેજમાં બતાવ્યું તે એક મસ્જિદના વિનાશનું સ્થળ હતું. બીબીસી એ ભૂલી ગયું કે મસ્જિદ પહેલા 2,000 વર્ષથી પણ વધુ સમયથી અહીં મંદિર હતું અને મુસ્લિમોને શહેરની નજીક પાંચ એકરની જગ્યા ફાળવવામાં આવી હતી જેના પર તેઓ મસ્જિદ બનાવી શકે. તેમણે “બીબીસીની નિષ્પક્ષતા અને વિશ્વભરમાં શું ચાલી રહ્યું છે તેનો યોગ્ય રેકોર્ડ પ્રદાન કરવામાં તેની નિષ્ફળતા” પર ચર્ચાની માંગ કરી છે. બીજી બાજુ હાઉસ ઓફ કોમન્સના નેતા પેની મોર્ડોન્ટે જબાવ આપ્યો કે તાજેતરમાં બીબીસીમાં ખૂબ જ મહત્વપૂર્ણ “મુદાઓ” ઉઠાવવામાં આવ્યા હતા.

બ્લેકમેને X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “રામ મંદિર પર બીબીસીના પક્ષપાતી રિપોર્ટિંગ પર સંખ્યાબંધ જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે”. જેમાં કહ્યું કે “બીબીસીએ વિશ્વમાં શું થઈ રહ્યું છે તેનો ચોક્કસ રેકોર્ડ આપવો જોઈએ,” બીબીસીને આ ઘટના પરના ઓનલાઈન લેખ વિશે એટલી બધી ફરિયાદો મળી હતી કે તેણે એક પ્રતિક્રિયા પ્રકાશિત કર્યો હતો, જેમાં કેટલાક વાચકોને લાગ્યું કે લેખ હિંદુઓ વિરુદ્ધ પક્ષપાતી છે અને ભડકાઉ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેઓએ હેડલાઇનમાં અમારા અહેવાલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો કે આ રામ મંદિર 16મી સદીની મસ્જિદની જગ્યા પર બાંધવામાં આવ્યું હતું, જેને 1992માં હિન્દુઓના ટોળા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ઇનસાઇટ યુકેએ બીબીસી, ઓફકોમ અને હાઉસ ઓફ લોર્ડ્સને પત્ર લખીને બીબીસીના “હિંદુઓ વિરુદ્ધ પક્ષપાતી કવરેજ”ની ટીકા કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બીબીસીનો લેખ એ ઉલ્લેખ કરવામાં નિષ્ફળ ગયો છે કે મુસ્લિમ પુરાતત્વવિદ્દે મસ્જિદની નીચે રામ મંદિર શોધી કાઢ્યું હતું અને તે પણ છોડી દેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા હિંદુઓને જમીન આપવામાં સર્વસંમત નિર્ણયનો હિસ્સો મુસ્લિમો પણ હતા.