October 9, 2024

મોરબી જિલ્લામાં વરસાદને કારણે થયેલા પાક નુકસાન મામલે સરકારે કર્યો સર્વે

ડેનિશ દવે, મોરબી: મોરબી જિલ્લામાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ ત્રાટકેલા હેલી જેવા વરસાદ અને બાદમાં મોરબીના મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાંથી ભરપૂર પાણી છોડવાને કારણે મોરબી જિલ્લામાં ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને થયેલ પાક નુકસાન મામલે સર્વે શરૂ કરાવતા 33 દિવસના અંતે આ સર્વે પૂર્ણ થયો છે અને ખેડૂતોના ખરીફ પાકમાં અંદાજે 50 ટકા નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ સતત પાંચ દિવસ સુધી હેલી સ્વરૂપે વરસાદ આવ્યા બાદ મોરબીના મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાંથી વિક્રમી કહી શકાય તેવો જળજથ્થો છોડવામાં આવતા મોરબી જિલ્લામાં માળીયા તાલુકાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ખેડૂતોને ખરીફ પાકમાં ભારે વરસાદ બાદ થયેલ નુકસાન અંગે સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ સહિતની 29 ટીમોને સર્વેક્ષણ માટે મેદાનમાં ઉતારવામાં આવતા 33 દિવસના અંતે ખેતીવાડી સર્વે પૂર્ણ થયો છે. જેમાં સતાવાર રીતે મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં ખેડૂતોને 48.37 ટકા પાક નુકસાન ગયાનું તારણ કાઢવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 3,14,944 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું અને સમયસર વરસાદ આવ્યો હોય મોટાભાગના ખેડૂતોને સારી ઉપજ આવવાની આશા હતી, પરંતુ ભારે વરસાદ અને વરસાદ બાદ પાણીએ ખરીફ પાકને નુકસાન થતાં પાંચ તાલુકાના 1,51,789 ખેડૂતોના ખેતરમાં રહેલા પાકનો સફાયો થયો હતો અને જિલ્લામાં કુલ 1,52,360 હેકટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.

માળીયા તાલુકામાં સૌથી વધુ નુકસાન
મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને બાદમાં પુરના પાણી ફરી વળતા જિલ્લાના પાંચેય તાલુકામાં ખેડૂતોના ખરીફ પાકને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં સૌથી વધુ નુકશાન માળીયા તાલુકામાં થયું છે. સરકારના આંકડા મુજબ માળીયા(મી.) તાલુકામાં 85%, વાંકાનેર તાલુકામાં 65%, મોરબી તાલુકામાં 62%, ટંકારા તાલુકામાં 34% અને હળવદ તાલુકામાં 5% નુકસાની થઇ છે.

કપાસનો 80 ટકા પાક સાફ
મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 3,14,944 હેકટર વિસ્તારમાં ખરીફ વાવેતર થયું હતું જેમાંથી 1,52,360 હેકટરમાં નુકસાન થયું છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં ખરીફ સિઝનમા મગફળી, દિવેલ, અજમો, તુવેર, શાકભાજી, ઘાસચારો,સહિતના પાકોમાં 33% કે તેથી વધુની નુકસાની થઇ છે, જેમાં સૌથી વધુ કપાસનું 2 લાખ હેકટર વાવેતર થયું હતું જે પૈકી 1,20,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર સર્વેમાં બહાર આવ્યું છે.

જિલ્લાના 95,689 નાના/સીમંત ખેડૂતોને નુકસાની
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ સહિતની 29 ટિમ દ્વારા 33 દિવસ સુધી કરવામાં આવેલ સર્વેમાં કુલ 95,689 નાના અને શ્રીમંત ખેડૂતોને ખરીફ પાકમાં નુકશાન થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે ત્યારે આ સર્વે રિપોર્ટ ગાંધીનગર સુપરત કરવામાં આવ્યા બાદ ખેડૂતોને થયેલ પાક નુકશાન અંગેની સહાય નક્કી કરી ચુકવણા કરવામાં આવશે.