November 22, 2024

પાટણ: કોમ્પ્લેક્સના ધાબા પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ

ભાવેશ ભોજક, પાટણ: પાટણ શહેરના કેશવલાલ કોમ્પ્લેક્સના ધાબા ઉપર લગાવવામાં આવેલ સોલાર પેનલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફડી મચી હતી. નગરપાલિકાના ફાયર જવાનોએ તાકીદે ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી કલાકોની જહેમંત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કોમ્પ્લેક્સના ધાબા પર આગને પગલે વિસ્તારમાં અફરાત પડી મચી જોવા મળી હતી. આગને પગલે દસ લાખનું નુકસાન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

પાટણની જનતા હોસ્પિટલ સામે આવેલ કેશવલાલ કોમ્પ્લેક્સના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી હતી. આજે બપોરના સુમારે સોલાર પેનલના રીપેરીંગ કામ દરમિયાન શોટ સર્કિટના કારણે એકાએક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં આગે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા આકાશને આંબી રહ્યા હતા.આગને પગલે કોમ્પલેક્ષ સહિત વિસ્તારમાં અફડાવતફડી મચી જવા પામી હતી.

આગ લાગ્યાના સમાચાર જાણતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કોમ્પ્લેક્સના વ્યાપારીઓએ આગ ઉપર કાબુ મેળવવા માટે અગ્નિ સામક બોટલોનો ઉપયોગ કર્યો હતો તો બીજી બાજુ ઘટનાની જાણ થતા નગરપાલિકાની ફાયર ટીમના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. નગરપાલિકાના ફાયર જવાનોએ એક વોટર બાઉઝર, એક ફાયર ફાઈટર અને બે ટેન્કરોનો ઉપયોગ કરીને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.