January 22, 2025

T20 World Cupમાં ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય, ICCની મિટિંગમાં લાગી મહોર

T20 World Cup: કોલંબોમાં યોજાયેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠક બાદ ICC બોર્ડે તેના ત્રણ ડિરેક્ટરો – રોજર ટૂઝ, લોસન નાયદો અને ઈમરાન ખ્વાજાની મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024ના સંગઠનની સમીક્ષા કરવા માટે નિમણૂક કરી છે. આ સ્પર્ધા અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં 1 થી 29 જૂન દરમિયાન યોજાઈ હતી. 2024 મેન્સ ટી-20 વર્લ્ડ કપ યુનાઇટેડ સ્ટેટ્સમાં આયોજિત થનારી પ્રથમ વૈશ્વિક ક્રિકેટ ઇવેન્ટ હતી. ન્યૂયોર્ક, ડલ્લાસ અને ફ્લોરિડામાં 16 મેચ રમાઈ હતી. ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની તેની ડ્રોપ-ઇન પીચો અને ધીમી આઉટફિલ્ડ માટે ટીકા કરવામાં આવી હતી.

વધુમાં શ્રીલંકા અને આયર્લેન્ડ જેવી ટીમોને તેમની હોટલ દૂર હોવાને કારણે લોજિસ્ટિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુએસ લેગ ઓફ ટૂર્નામેન્ટ મૂળ બજેટ કરતાં વધી ગઈ છે કે કેમ અને તેના માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ICCએ સોમવારે પોતાના નિવેદનમાં કહ્યું કે રોજર ટૂઝ, લોસન નાયદો અને ઈમરાન ખ્વાજા વર્ષના અંત સુધીમાં ટૂર્નામેન્ટના સંચાલન અંગેનો તેમનો રિપોર્ટ બોર્ડને સુપરત કરશે. ICC એ એમ પણ કહ્યું કે યુએસએ ક્રિકેટ અને ક્રિકેટ ચિલીને ICC સભ્યપદના માપદંડના ચાલુ ભંગ બદલ ઔપચારિક રીતે નોટિસ જારી કરવામાં આવી છે અને તેમાં સુધારો કરવા માટે 12 મહિનાનો સમય છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રનું અર્થતંત્ર પાકિસ્તાન કરતાં મોટું, દેશમાં સૌથી વધુ ફેક્ટરીઓ તમિલનાડુમાં

વધુમાં, ચીફ એક્ઝિક્યુટિવ્સની સમિતિએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે આઠ પ્રાદેશિક ક્વોલિફાઇંગ સ્લોટની ફાળવણીની પુષ્ટિ કરી છે. જેમાં આફ્રિકા અને યુરોપની બે ટીમ, અમેરિકાની એક અને એશિયા અને EAPની સંયુક્ત પ્રાદેશિક ફાઇનલમાં ત્રણ ટીમો ક્વોલિફાય થશે. આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાશે.

ટી-20 વર્લ્ડ કપ 2030માં 16 ટીમો રમશે
આઇસીસી બોર્ડે 2030માં આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે 16 ટીમોને પણ મંજૂરી આપી છે. 2026માં ઈંગ્લેન્ડમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે અને પછી 2030માં વધીને 16 ટીમો કરશે. વધુમાં બોર્ડે પુષ્ટિ કરી છે કે 2026 વર્લ્ડ કપ માટેની ક્વોલિફિકેશન કટ-ઓફ તારીખ 31 ઓક્ટોબર 2024 હશે. આઇસીસીની વાર્ષિક સામાન્ય સભામાં તમામ 108 આઇસીસી સભ્યોએ હાજરી આપી હતી. ચાર દિવસીય કોન્ફરન્સની થીમ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશની તકનો લાભ લેવાનો હતો.