પૂનમના મેળામાં સ્વચ્છતા જાળવી રાખતા સફાઇકર્મીઓનું સન્માન કરાયું
વિક્રમ સરગરા, અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહા મેળામાં મેળાની સ્વચ્છતા માટે સતત ખડેપગે રહીને ફરજ બજાવી રહેલા અને સમગ્ર અંબાજી શહેરને સ્વચ્છ રાખતા 450 જેટલા સફાઈકર્મીઓનું જીલ્લા પોલીસવડા અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
આજે ભાદરવી પૂનમના મહા મેળાનો છઠ્ઠો દિવસ છે. જયારે મેળો આવતીકાલે પરિપૂર્ણ થશે ત્યારે સમગ્ર મેળા દરમિયાન અંબાજીના બજારો મંદિરને સાંકળતા રસ્તાઓ ઉપર સતત વોચ રાખી સફાઈકામ કરી રહેલા સફાઈ કામદારોની કામગીરી સરહાનીય રહી છે. અને રાત્રી દરમિયાન પણ અંબાજીના બજાર તેમજ મંદિર પરિસરમાં સફાઈનો દોર સતત ચાલુ રાખી સ્વચ્છતા ત્યાં પ્રભુતાની કહેવત સાર્થક કરી રહેલા સાફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી દવે, નાયબ પોલીસ અધિક્ષક ડો. જીગ્નેશ ગામીતને અંબાજી પોલીસ ઇન્સ્પેકટર સહિત અધિકારીઓ દ્વારા તમામ સફાઈ કામદારોનું સફાઈ કામની કદર કરી ફૂલહાર તેમજ માતાજીનો ખેસ પહેરાવી તમામ સફાઈ કામદારોનું સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો. જોકે સફાઈ કામદારોએ પણ જીલ્લા પોલીસવડાની આ કામગીરીની સરાહના કરી હતી. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે અમારી સફાઈ તો હજી બાકી છે. ત્યારે, મેળો પૂર્ણ થયા બાદ અમારી વિશેષ જવાબદારી બનતી હોય છે તે પણ હવે નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશું.