December 23, 2024

નડિયાદમાં મેઘરાજાની ધડબડાટી, શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Rainfall in Nadiad: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘો ધઢબડાટી બોલાવી રહ્યો છે. ત્યાં જ છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જનજીવનને માઠી અસર પહોંચી છે. મોડી રાત્રે ખાબકેલા વરસાદના કારણે નડીયાદમાં રોડ-રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

નડિયાદમાં ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી જ પાણી હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ અહીં માનવ વસ્તીની સાથે જાનવરો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ નડિયાદમાં કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી છે.

નડિયાદ શહેરમાં આજે સવારે 2 થી 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલવે અંડર પાસના ચારેય ગરનાળામાં પાણી ભરાતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેર ના નીચાણ વાળા વિસ્તાર રબારી વાસ, પીજ ભાગોળ, પીજ રોડ, વૈશાલી રોડ, ઇન્દિરા નગરી, જેવા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો નડિયાદ 5 ઇંચ, મહુધા 3 ઇંચ, વસો 3.5 ઇંચ, કઠલાલ 1 ઇંચ, ખેડા 1.5 ઇંચ, મહેમદાવાદ – 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.