Budget 2024: મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ સત્ર આજથી શરૂ

નવી દિલ્હી: આજથી સંસદમાં બજેટ સત્ર 2024ની શરૂઆત થઈ રહી છે. 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થશે. બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.
વચગાળાનું બજેટ નવી સરકાર આવે ત્યાં સુધી સરકારી ખર્ચને પહોંચી વળવા માટે જ રજૂ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ લોકસભા ચૂંટણી પછી ચૂંટાયેલી નવી સરકાર જુલાઈમાં રજૂ કરશે. લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં સામાન્ય જનતા માટે રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે બજેટ સત્ર તોફાની બને તેવી પણ શક્યતા છે. વિપક્ષ ઘણા મુદ્દાઓ પર બજેટ સત્રમાં સરકારને ઘેરી શકે છે.
આ પણ વાંચો: આ વર્ષે 2 વખત રજૂ થશે બજેટ, જાણો કારણ
સર્વપક્ષીય બેઠકમાં અનેક મુદ્દાઓ પર થઈ વાત
બજેટ સત્ર પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સુરેશે કહ્યું હતું કે, પાર્ટી સત્ર દરમિયાન બેરોજગારી, મોંઘવારી, કૃષિ સંકટ અને જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરની સ્થિતિનો મુદ્દો ઉઠાવશે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે કહ્યું હતું કે, નાણામંત્રીએ વચગાળાના બજેટમાં વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ પશ્ચિમ બંગાળના લેણાંનો પણ સમાવેશ કરવો જોઈએ.
આ પણ વાંચો: બજેટ એટલે શું? આ શબ્દ ક્યાંથી આવ્યો? આ તમામ માહિતી એક ક્લિકમાં…
બજેટ સત્રનો મુખ્ય એજન્ડા
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિવિધ પક્ષોના નેતાઓની બેઠકમાં કહ્યું કે, સીતારમણ જમ્મુ અને કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરશે, જ્યાં હાલ રાષ્ટ્રપતિ શાસન છે. 9 ફેબ્રુઆરીના રોજ 17મી લોકસભાનું આ ટૂંકુ સત્ર છે. જેનો મુખ્ય એજન્ડા રાષ્ટ્રપતિનું સંબોધન, વચગાળાના બજેટની રજૂઆત, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેના જવાબ પર ચર્ચાનો છે.