December 26, 2024

ગીર સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન, 1600થી વધુ પોલિસ જવાનો તૈનાત

ગીર સોમનાથ: ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં ગેરકાયદેસર વસાહતો-મકાનોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે તંત્ર દ્વારા 36 થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર ઉપયોગમાં લેવાયા છે. ત્યાં જ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને માટે 1600થી વધુ પોલિસ જવાનોને તૈનાત કરાયા છે.

સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગ ડિમોલેશન ચાલી રહ્યું છે. અહીં ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, IG, 3 SP, 6 DYSP નો કાફલો હાજર છે. ત્યાં જ 50 PI–PSI, 1200 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરી દેવાયા છે. તમને જણાવી દઈએ કે, ગત મોડી રાતથી તંત્ર દ્વારા ડિમોલેશનની તૈયારી હાથ ધરવામાં આવી હતી. જોકે તંત્રની તૈયારીને લઈ હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા.

આજે વહેલી સવારે 05 વાગ્યે તંત્ર એ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં ડીમોલેશન શરૂ કર્યું હતું. જેમાં 05 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેકટર, 10 ડમ્પરથી કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં એક ધાર્મિક સ્થળ પર થી 70 જેટલા લોકોની અટકાયત પણ કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન છે. પોલીસ દ્વારા પણ સાવચેતીના પગલા તરીકે ડિમોલિશન સ્થળ પર લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પરથી અવરજવર બંધ કરાઈ છે.

તંત્રની ડિમોલિશન કામગીરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા હતા. વિમલ ચુડાસમાએ લોકોને ગાંધી ચિંધ્યા માર્ગની સલાહ આપી હતી અને ગાંધી ચિધ્યા માર્ગે વિરોધ કરવાની સલાહ આપતો તેમનો વીડિયો પણ વાયરલ થયો છે.