November 16, 2024

બંગાળ સરકારે ડોક્ટર્સના સામૂહિક રાજીનામાને ગણાવ્યા ગેરકાયદેસર, આપ્યું આ કારણ

Kolkata Doctors Mass Resignation: પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે કહ્યું હતું કે સરકારી હોસ્પિટલોના ડોકટરોએ આપેલું સામૂહિક રાજીનામું માન્ય નથી. રાજીનામા સેવાના નિયમો મુજબ રૂબરૂમાં રજૂ થવા જોઈએ. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સરકારી હોસ્પિટલોના ઘણા ડોક્ટરોએ સામૂહિક રીતે સહી કરેલ ‘રાજીનામાં’ પત્રો સરકારને સુપરત કર્યા હતા.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની શિકાર બનેલ પોસ્ટ-ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર માટે ન્યાયની માંગ સાથે રાજ્યમાં ડૉક્ટરો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ, જુનિયર ડોકટરો તેમની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

અલપન બંદ્યોપાધ્યાયે સ્પષ્ટ કર્યું સરકારનું વલણ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલપન બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, “જ્યાં સુધી કોઈ કર્મચારી સેવા નિયમો મુજબ એમ્પ્લોયરને વ્યક્તિગત રીતે પોતાનું રાજીનામું ન મોકલે ત્યાં સુધી તેને રાજીનામું માનવામાં નથી આવતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ડોકટરો દ્વારા મોકલવામાં આવેલ પત્ર માત્ર સામૂહિક હસ્તાક્ષર હતા. જેમાં કોઈ મુદ્દાને સ્પષ્ટ નથી કરવામાં આવ્યો. બંદોપાધ્યાયે આરજી કર મેડિકલ કોલેજ અને IPGME અને SSKM હોસ્પિટલો સહિત જુદી જુદી સરકારી હોસ્પિટલોના સિનિયર ડોક્ટર્સના સામૂહિક રાજીનામાંને લઈને ફેલાયેલ ભ્રમની સ્થિતિ ઓર સરકારનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

ચાલુ સપ્તાહની શરૂઆતમાં આરજી કર મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટર્સના એક જુથ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર્સ સાથે એકતા દર્શાવતા સામૂહિક રીતે હસ્તાક્ષર કરેલ ‘સામૂહિક રાજીનામાં’ આપી દીધા હતા. ત્યારબાદ અન્ય સરકારી હોસ્પિટલોના ડોક્ટર્સ દ્વારા પણ આ પ્રકારના રાજીનામાં પત્રો સરકારને મોકલવામાં આવ્યા હતા.