કન્યા છાત્રાલયમાં જઇ મદદનિશ ટ્રસ્ટીએ વિદ્યાર્થિનીને માર માર્યો
સંજય વાઘેલા, જામનગર: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ધ્રોલ જીએમ પટેલ કન્યા છાત્રાલયમાં મદદનિશ ટ્રસ્ટી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના રૂમમાં જઈને તેમને માર મારતા હોવાની ફરીયાદ સામે આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં પરવાનગી વગર વારંવાર મદદનીશ ટ્રસ્ટી જેન્તી કગથરા ઘૂસી જતો હોવાની વિદ્યાર્થિનીઓએ ફરીયાદ કરી હતી. આ મામલે વિદ્યાર્થીનીઓના વાલીઓ હોસ્ટેલ ખાતે પહોંચી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. બીજી બાજુ સમાજ પક્ષે આરોપી ટ્રસ્ટીએ પણ વિદ્યાર્થિનીના પિતાએ માર માર્યો હોવાની પણ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે હોસ્ટેલના ટ્રસ્ટીઓ પણ આગળ આવ્યા છે અને સંસ્થાની ખોટી બદનામી થતી હોવાની વાત કરી છે.
જામનગરના ધ્રોલમાં જી એમ પટેલ કન્યા વિદ્યાલયમાં કડવા પટેલ સમાજ સહિત અન્ય સમાજની દીકરીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં રહેતી દીકરીઓનો વીડિઓ સોશ્યિલ મીડિયામાં સામે આવ્યો હતો જેમાં સંસ્થાના એક મદદનીશ ટ્રસ્ટી દ્વારા ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીનીઓના વાલીનું કહેવું છે કે દીકરીઓ જે હોસ્ટેલમાં રહેતી હોઈ ત્યાં પુરુષોને જવાની મનાઈ હોવા છતાં મદદનિશ ટ્રસ્ટી કેમ જય શકે? આ મદદનિશ ટ્રસ્ટી દીકરીને રૂમમાં જઈ બ્લેન્કેટ ખેંચી માર મારવામાં આવ્યો હતો, એટલું જ઼ નહીં સંસ્થા દ્વારા ઘટનાને દબાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણ જગતને બદનામ કરવાની ઘટનાને લઈને જી એમ પટેલ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીઓ સામે આવ્યા છે. ટ્રસ્ટીઓનું કહેવું છે કે છાત્રાલયમાં આંબલીના વૃક્ષ પરથી કાતરા ખાવાની મનાઈ હોવા છતાં આ વિદ્યાર્થીની કાતરા ખાઈ રહી હતી. આ દરમિયાન કાચની બોટલ ફેંકી જે છાત્રાલયમાં સફાઈનું કામ કરતા એક બહેનને માથાના ભાગે લાગી હતી. જેના કારણે મદદનિશ ટ્રસ્ટી જેન્તીભાઈ ત્યાં હાજર હોવાથી તેઓ વિદ્યાર્થીનીને ઠપકો આપવા ગયા હતા, આ દરમ્યાન તેઓ આવેશમાં આવી તેઓ દીકરીના રૂમ સીધી પહોંચી ગયા અને દીકરી પર હાથ પણ ઉપાડ્યો હતો. જો કે આ ઘટનાની જાણ ટ્રસ્ટીઓને થતા તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે બંને પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે વિદ્યાર્થીનીના વાલીઓની માંગ છે કે આરોપી મદદનિશ ટ્રસ્ટી જેન્તી કગથરા સામે કડક પગલાં લેવામાં આવે.
જામનગરના ધ્રોલમાં આવેલી જી એમ પટેલ કન્યા છાત્રાલયમાં અંદાજે 3 હજારથી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, જેમાં કડવા પટેલ સહીત અન્ય સમાજની દીકરીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. છાત્રાલયમાં પુરુષોને પ્રવેશ આપવામાં આવતો ન હોવા છતાં એક ટ્રસ્ટી વિદ્યાર્થિનીઓના રૂમ સુધી પહોંચી માર મારે તે બાબતને લઈને વાલીઓમાં રોષ અને ચિંતાનો માહોલ છે. તો બીજી બાજુ ઘટના બાદ જી એમ પટેલ કન્યા વિદ્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર બાબતે શૈક્ષણિક સંસ્થા અને પંથકમાં ભારે ચર્ચા જાગી છે.