October 23, 2024

વડોદરાના આ પરિવારની 5 વર્ષની દીકરી કડકડાટ બોલે છે સંસ્કૃતના શ્લોક

અંકિત, વડોદરા: આજના આધુનિક યુગમાં જ્યારે તમામ લોકો મોબાઈલ સાથે જીવી રહ્યા, તથા મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતા હોય ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં રહેતો હિરપરા પરિવાર પોતાની પાંચ વર્ષની દીકરીને સંસ્કૃત ભાષાના શ્લોક શીખવી રહ્યો છે. પાંચ વર્ષની વેદા બે વર્ષની હતી ત્યારથી જ કડકડાટ સંસ્કૃત શ્લોકો બોલે છે.

વડોદરા શહેરના વેમાલી વીસ્તાર ખાતે આવેલા સિદ્ધેશ્વર હેલિક્સની નિવાસી તથા નવરચના નીવ ધ પ્રેપ સ્કૂલના જુનિયર વર્ગમાં અભ્યાસ કરતી 4 વર્ષ 11 મહિના અને 13 દિવસ હીરપરા વેદા પાર્થભાઇએ ઈંડીયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે. હીન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી આ નાનકડી બાળકી શ્રી કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકને 2 મિનિટ અને 49 સેકન્ડમાં બોલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસની સિદ્ધિ હાંસલ કરી છે. વેદાએ જણાવ્યું હતું કે, મારી મમ્મી મને સંસ્કૃત શ્લોક શીખવાડે છે અને એ પણ એ શીખવું ગમે છે. મમ્મી બોલે છે અને હું એ સાંભળીને શીખું છું.

માતા ફાલ્ગુની હિરપરાએ જણાવ્યું કે, હું આજે ખૂબ જ ખુશ છું કે મારી દીકરીએ આટલી નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. આપણા હિન્દુ સનાતન ધર્મનું જ્ઞાન આપણી આવતી પેઢીને મળી રહે તેવા શુભ આશયથી મારી દીકરીને સંસ્કૃત ભાષામાં રૂચિ વધે તે માટેના પ્રયત્નો નાનપણથી જ કરવામાં આવી રહ્યા છે. તે બે વર્ષની હતી ત્યારથી જ સંસ્કૃત શ્લોકો બોલે છે.

ધીરે-ધીરે સંસ્કૃતમાં ભગવત ગીતા, શિવતાંડવ સ્તોત્ર, મહિસાસુર મર્દિની સ્તોત્ર, 12 જ્યોતિર્લિંગ અને હનુમાન ચાલીસા સહિતના 100થી વધુ શ્લોક પણ તેને મોઢે આવડે છે. વેદા હજી વાંચતા તો શીખી ન હતી, પરંતુ હું સંસ્કૃત શ્લોકો બોલતી અને મારી પાછળ પાછળ તે પણ શ્લોક બોલતી હતી. ધીમે ધીમે તે મારી સાથે સાથે શ્લોક બોલવા લાગી. હું એને સંસ્કૃત શ્લોક શીખવવા માટે રોજ એક કલાક આપું છું.

પિતા પાર્થ હિરપરાએ જણાવ્યું કે, આપણી હિન્દુ સંસ્કૃતિનો વારસો આપણે આપણા બાળકને આપવો જ જોઈએ. બાળકના ભવિષ્ય માટે આપણી સંસ્કૃતિ શું છે તે તેને સમજવી જરૂરી છે. મારી દીકરી ક્યારેય મોબાઈલ કે ટીવી જોતી નથી. અમે તેને પૂરતો ટાઈમ આપીએ છીએ. જેથી તેને મોબાઈલ અને ટીવી જોવાની જરૂર પડતી નથી. હવે અઠવાડિયામાં એક કલાક સાથે બેસીને ટીવી જોઈએ છે.