January 3, 2025

કપડવંજ પાસેનો 17 કિમીનો રોડ બિસ્માર, સ્થાનિક વાહનચાલકોની હાલત કફોડી

યોગીન દરજી, ખેડા: ખેડાના કપડવંજ શહેરમાંથી ટ્રાફિકનું ભારણ હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનોને પાખીયા લાડવેલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ 17 કિલોમીટનો આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેના કારણે વાહનચાલકોની સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોની હાલત પણ કફોડી બની છે.

જે ખેડૂતોના ખેતરો રોડની આસપાસમાં આવેલા છે, તે ખેતરોમાં રોડની ઉડતી ધૂળ ઊભા પાક ઉપર જામી જાય છે. જેના કારણે પાકનો વિકાસ રૂંધાય રહ્યો છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. 17 કિમીનો આ રોડ વાહન ચાલકો અને ખેડૂતો બંને માટે મુશ્કેલી રૂપ બની રહ્યો છે. જો આગામી સમયમાં આ રોડનું કામ ઝડપથી શરૂ નહીં થાય તો ખેડૂતો રસ્તા રોકો આંદોલન જેવા કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

તો બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે રોડનું કામ 2 ફેઝમાં મંજૂર થયું છે. જે પૈકી પ્રથમ ફેઝમાં રૂ.145 કરોડના ખર્ચે સીસી રોડનું કામ થનાર છે.