જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી હુમલો, એક વ્યક્તિનું મૃત્યુ
Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલાના સમાચાર સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. પોલીસે પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
માહિતી મળતાની સાથે જ સુરક્ષાદળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ મૃતકને નજીકથી ગોળી મારી હતી. મૃતકની ઓળખ મોહમ્મદ રઝાક તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતક સમાજ કલ્યાણ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે અને રાજૌરીમાં તૈનાત હતા.
એક અઠવાડિયામાં બીજો આતંકવાદી હુમલો
અગાઉ 17 એપ્રિલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. જેમાં આતંકીઓએ ગોળીબાર કરીને બિહારના એક યુવકની હત્યા કરી નાખી હતી. ટાર્ગેટ કિલિંગની આ ઘટના લોકસભા ચૂંટણી દરમિયાન જબલીપોરા વિસ્તારમાં બની હતી. યુવાન રાજુ શાહ તેના પરિવાર સાથે જબલીપોરામાં ભાડે રહેતો હતો અને પકોડા વેચતો હતો.
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે બિન-કાશ્મીરીઓ પર સતત ત્રીજો આતંકવાદી હુમલો
કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ટાર્ગેટેડ કિલિંગ હેઠળ બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. અનંતનાગમાં બિહારના રહેવાસી રાજુની હત્યા આ વર્ષે બિન-કાશ્મીરીઓ પર ત્રીજો હુમલો છે. નોંધનીય છે કે, અગાઉ 7 ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ શ્રીનગરમાં પંજાબના અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહ અને રોહિત માશીની ગોળી મારીને હત્યા કરી હતી. હુમલામાં રોહિત ઘાયલ થયો હતો અને 8 ફેબ્રુઆરીએ તેનું મૃત્યુ થયું હતું. 8 એપ્રિલે લોકસભા ચૂંટણી દરમિયાન આતંકવાદીઓએ શોપિયાં જિલ્લામાં બિન-કાશ્મીરી કેબ ડ્રાઇવર પરમજીત સિંહને ગોળી મારીને ઘાયલ કરી હતી. હવે 17 એપ્રિલે આતંકવાદીઓએ ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે.