દિલ્હી-UPમાં કાળઝાળ ગરમીની આગાહી, હવામાન વિભાગે અહીં આપ્યું વરસાદનું એલર્ટ

Weather Update: દેશભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાક કાળઝાળ ગરમી તો ક્યાક વરસાદ પડી રહ્યા છે. આ વચ્ચે હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલથી જૂન દરમિયાન દેશમાં તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે અને મધ્ય અને પૂર્વ ભારત અને ઉત્તરપશ્ચિમ મેદાનોમાં ગરમીમાં વધારો થઈ શકે છે. IMD અનુસાર, આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35-37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15-17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ ઉપરાંત દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીય રાજધાનીનું મહત્તમ તાપમાન વધી શકે છે. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી પડવાની છે. ઘણા જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું છે. 2 એપ્રિલથી આગામી પાંચ દિવસમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બિહારમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ છે. જ્યારે આગામી 3-4 દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. જોકે, સવારે અને સાંજે હળવો ઠંડો પવન ફૂંકાશે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને આસામમાં ખૂબ જ તેજ પવન ફૂંકાશે તેવી શક્યતા છે.
3 એપ્રિલે હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં 6 એપ્રિલ સુધી હવામાન સ્વચ્છ રહેશે. રાજસ્થાનમાં હવામાનમાં સતત ફેરફારની સ્થિતિ છે. તાજેતરમાં તાપમાનમાં અચાનક ઘટાડો નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યનું હવામાન શુષ્ક રહેશે.
આ પણ વાંચો: થાઈલેન્ડ, મ્યાનમાર બાદ હવે અહીં ભૂકંપના 3 આંચકા અનુભવાયા, જાણો કેટલી હતી તીવ્રતા
હવામાન વિભાગે 3 એપ્રિલ સુધી મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં વીજળી, વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં વીજળી પડવાની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં 1 એપ્રિલ સુધીમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.