January 21, 2025

શંભુ બોર્ડર પર પરિસ્થિતિ વણસી, ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા

Farmers Protest Delhi:  આજે ખેડૂત આંદોલનકારીઓ દિલ્હી ચલો માર્ચને કારણે દિલ્હીની બધીજ બોર્ડરો સીલ કરી દીધી છે. મોડીરાત સુધી કેન્દ્રીય મંત્રી અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. સરકારે આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ 5 કલાકથી વધુ ચાલેલી બેઠકમાં કોઇ સમાઘાન ન નિકળ્યુ હતું. તે પછી, ત્યારબાદ ખેડૂત નેતાઓએ આર-પારની જંગની જાહેરાત કરી દીધી હતી અને કહ્યું કે તેઓ દિલ્હીમાં મોરચો માંડશે જ. આ સાથે જ ગાઝીપુર, સિંઘુ, શંભુ, ટિકરી સહિતની તમામ સરહદોને કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે જો ખેડૂત આંદોલનની આડમાં કોઇ બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂત આંદોલનને પગલે પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો દિલ્હી તરફ આવવા લાગ્યા છે. જેના કારણે દિલ્હીની તમામ બોર્ડર પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. નોંધનીય છે કે લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓને લઈને ખેડૂતોના આંદોલન ફરી શરૂ કર્યું છે. ખેડૂતોને મનાવવા માટે સોમવારે લગભગ પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા હાજર હતા. પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઇચ્છતા હતા.

ખેડૂતોની માંગણીઓ શું છે?
દિલ્હીમાં ખેડૂત આંદોલન. 2.0 શરૂ થઈ ગયુ છે. ખેડૂત પ્રદર્શનકારીઓ દિલ્હી કૂચ કરવા માટે અડગ છે. દિલ્હીમાં ખેડૂતોને રોકવા માટે પોલીસતંત્ર દિલ્હીની બધી જ સરહદો સીલ કરી દીધી છે. ખેડૂતોએ ફરી એકવાર દિલ્હીને ઘેરવાની તૈયારી કરી લીધી છે. પંજાબ-હરિયાણાની સાથે અન્ય ઘણા રાજ્યોના ખેડૂતો દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, ખેડૂતોએ તેનું નામ ‘ચલો દિલ્હી માર્ચ’ રાખ્યું છે, બીજી બાજુ આ કિસાન આંદોલનને 2.0 પણ કહેવામાં આવી રહ્યું છે. ગત વખતની જેમ આ આંદોલનમાં પણ વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાઈ રહ્યા છે.

ખેડૂતો આ માંગણીઓ પર અડગ છે

  1.   ખેડૂતોની સૌથી મહત્વની માંગ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની છે.
  2.   કિસાન સ્વામિનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી છે.
  3.   આંદોલનના ખેડૂતો કૃષિ લોન માફ કરવાની માંગ કરી રહ્યા છે.
  4.   લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે
  5.   ભારતને WTO(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)માંથી બહાર લઈ જવું જોઈએ.
  6.   કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવું.
  7.   58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને રૂ. 10,000નું પેન્શન આપવું.
  8.   પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી.
  9.   2013 મુજબ જમીન સંપાદન અધિનિયમ અમલમાં મૂકવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ.
  10.   જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ.

દિલ્હીની આવેલી આ સરહદો પર તકેદારી
ખેડૂતોને દિલ્હીનો ઘેરાવ કરતા રોકવા માટે હરિયાણા અને પંજાબ સાથેની સિંઘુ બોર્ડર પર તાર લગાવવામાં આવ્યા છે. સરહદી રસ્તાઓ પર સિમેન્ટના બેરીકેટ લગાવવામાં આવ્યા છે. ગાઝીપુર બોર્ડર પર પોલીસ વાહનો અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સીસીટીવી અને લાઉડ સ્પીકર પણ લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ-પ્રશાસનને આશંકા છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના અન્ય સંગઠનો પણ તેમાં જોડાઈ શકે છે. બીજી બાજુ જો અન્ય સંગઠનો પણ આંદોલનમાં જોડાશે તો દિલ્હી-મેરઠ હાઈવે પણ ખોરવાઈ જવાની શક્યતા છે.

જૂના મુદ્દાઓ પર જ આંદોલન
આ સંગઠનોનો મુદ્દો એ જ છે જે સંયુક્ત કિસાન મોરચા ઉઠાવી રહ્યા હતા. આ આંદોલનમાં ખેડૂતોની સૌથી મોટી માંગ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો છે. આ સિવાય વીજળીના દરમાં રાહત આપવમાં અને કૃષિ લોન માફીનો મુદ્દો પણ છે. બીજી બાજુ અખિલ ભારતીય કિસાન સભાના ઉપાધ્યક્ષ આનંદ મોહલ્લાએ નિવેદનમાં કહ્યું કે આ યુનાઈટેડ કિસાન મોરચાના કેટલાક અલગ થયેલા સંગઠનો છે જે આ આંદોલન તેમનું છે.

16મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન
અખિલ ભારતીય કિસાન સભાએ પણ હાલ માટે ખેડૂતોના આ આંદોલનથી દૂર રહ્યાં છે. જેકે સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ 16મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં તમામ ખેડૂતો અને મજૂરો હડતાળ કરશે અને કામકાજ બંધ કરશે. બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ઘેરાવ કરીને હાઈવે બંધ કરી દેવામાં આવશે. અખિલ ભારતીય કિસાન સભાનું કહેવું છે કે સરકારે સ્વામીનાથનને ભારત રત્ન આપ્યો, પરંતુ તેની ભલામણ સ્વીકારવામાં આવી નથી.

શંભુ બોર્ડર પર સ્થિતિ બગડી, ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા
દિલ્હી કૂચના મક્કમ રહેલા ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. બોર્ડર પર ખેડૂતોને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી રહી છે. બોર્ડર પર સમયાંતરે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા ત્યારબાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોને લગભગ 300 મીટર પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, બીજી બાજુ પ્રદર્શનકારીઓ હજુ પણ દિલ્હીમાં પ્રવેશવા પર અડગ છે. બીજી બાજુ આંદોલનકારીઓને રોકવા દિલ્હી પોલીસે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

સિંઘુ બોર્ડર ફ્લાયઓવર સંપૂર્ણપણે સીલ
ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવી દેવામાં આવ્યા છે અને નેશનલ હાઇવે પર આરએએફ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

દિલ્હી-નોઈડા-દિલ્હી હાઈવે પર ભારે જામ
ખેડૂતોની દિલ્હી તરફની કૂચને પગલે દિલ્હીની તમામ બોર્ડરો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા દરેક ખૂણા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દિલ્હીમાં કેટલીક જગ્યાએ કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. હાલમાં દિલ્હી-નોઈડા-દિલ્હી રોડ પર ભારે જામ છે. બીજી બાજુ ખેડૂતોની દિલ્હી કૂચ હરિયાણાના અંબાલા હાઈવે પર પહોંચી છે. ખેડૂતો ટ્રેક્ટર દ્વારા સતત દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે સાથે સાથે ખેડૂતોના સમૂહમાં અનેક વાહનો પણ નજરે પડે છે. આ ઉપરાંત દિલ્હી આવવા માટે ખેડૂતો પણ પોતાની સાથે સામન પણ લાવી રહ્યા છે.

ખેડૂત નેતાએ કહ્યું- અમે સરકાર સાથે વાતચીત માટે તૈયાર
માહિતી અનુસાર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઈચ્છતા નથી. અમે સરકાર સામેના સંઘર્ષ ટાળવા માંગીએ છીએ અને અમને કંઈક મળે તેની આશા અને વિશ્વાસને કારણે જ અમે બેઠકમાં ચર્ચા કરી હતી. વધુમાં કહ્યું કે તમે હરિયાણાના દરેક ગામમાં પોલીસનો કાફલો મોકલી રહ્યા છો. પંજાબ અને હરિયાણા માત્ર ભારતના રાજ્યો નથી, પંરતુ એવું લાગી રહ્યું છે કે ઇન્ટરનેશનલ બોર્ડર ગયા છે. જો સરકાર બોલાવવા માંગે તો અમે વાતચીત માટે તૈયાર છીએ.

ગાઝીપુર બોર્ડર પર શું છે સ્થિતિ?
પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલનને લઇને દિલ્હી પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક છે. બીજી બાજુ ખેડૂતોના સમર્થનમાં ગાઝીપુર બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોની દિલ્હી કૂચ વચ્ચે ઝજ્જર જિલ્લાના બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીઝના કોન્ફેડરેશનના સભ્યોએ ખેડૂતોને અપીલ કરી છે. તેમના વ્યવસાય પર ન્યૂનતમ અસર સુનિશ્ચિત કરવા માટે તેમણે ઔદ્યોગિક કેન્દ્ર બહાદુરગઢમાં વિરોધ ન કરવાનો નિર્ણય કર્યો.

ખેડૂત આંદોલનની TIMELINE

  • 5 જૂન, 2020: નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં 3 કૃષિ બિલ રજૂ કર્યા હતા.
  • 14 સપ્ટેમ્બર 2020: કેન્દ્ર સરકાર સંસદમાં આ અંગે વટહુકમ લાવી હતી.
  •  17 સપ્ટેમ્બર 2020: સંસદના નીચલા ગૃહ લોકસભામાં વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી.
  • 20 સપ્ટેમ્બર, 2020: વટહુકમને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પણ મંજૂરી આપવામાં આવી હતી.
  • 24 સપ્ટેમ્બર 2020: પંજાબમાં ખેડૂતોએ ત્રણ દિવસ માટે રેલ રોકો આંદોલનની જાહેરાત કરી.
  • 26 સપ્ટેમ્બર 2020: શિરોમણી અકાલી દળ (SAD) એ કૃષિ કાયદાના વિરોધમાં કેન્દ્રની NDA સરકારથી અલગ થવાની જાહેરાત કરી.
  • 27 સપ્ટેમ્બર, 2020: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) ત્રણેય કૃષિ કાયદાઓને મંજૂરી આપી.
  • 25 નવેમ્બર 2020: પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનોએ ‘દિલ્હી ચલો’ આંદોલનની જાહેરાત કરી.
  • 28 નવેમ્બર 2020: ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) ખેડૂતો સાથે વાત કરવાની રજૂઆત કરી.
  • 3 ડિસેમ્બર, 2020: સરકારે ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે પહેલી વાર બેઠક યોજી, પરંતુ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નહીં.
  • 8 ડિસેમ્બર 2020: ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું હતું. અન્ય રાજ્યોના ખેડૂતોએ પણ આ ‘ભારત બંધ’ને ટેકો આપ્યો હતો.
  • 9 ડિસેમ્બર, 2020: ખેડૂત નેતાઓએ ત્રણેય કૃષિ કાયદાઓમાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો.
  • 30 ડિસેમ્બર, 2020: સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે છઠ્ઠા રાઉન્ડમાં થોડી વાટાઘાટો થઇ.
  • 4 જાન્યુઆરી, 2021: સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચેની સાતમા રાઉન્ડની વાતચીતનું પણ કોઈ પરિણામ આવ્યું ન હતું.
  • 7 જાન્યુઆરી, 2021: સુપ્રીમ કોર્ટ 11 જાન્યુઆરીથી નવા કાયદા અને વિરોધને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ.
  • 11 જાન્યુઆરી, 2021: સુપ્રીમ કોર્ટે ખેડૂતોના વિરોધનો નિવેડો લાવવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી.
  • 12 જાન્યુઆરી, 2021: સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. કાયદા અંગે ભલામણો કરવા માટે 4 સભ્યોની સમિતિની રચના કરી.
  • 26 જાન્યુઆરી, 2021: પ્રજાસત્તાક દિવસના અવસરે ખેડૂતો દ્વારા બોલાવવામાં આવેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓનુ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. લાલ કિલ્લા પર વિરોધ પ્રદર્શન દરમિયાન નુકસાન થયું હતું. જેમાં એક પ્રદર્શનકારીનું મોત પણ થયું હતું.
  • 29 જાન્યુઆરી, 2021: સરકારે કૃષિ કાયદાને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને કાયદા પર ચર્ચા કરવા માટે સંયુક્ત સમિતિની રચના કરી. ખેડૂતોએ દરખાસ્તને ફગાવી દીધી હતી.
  • 5 ફેબ્રુઆરી, 2021: દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ સેલે ખેડૂતોના વિરોધ પર ‘ટૂલકિટ’ બનાવનારાઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી, જે પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરવામાં આવી હતી.
  • 6 ફેબ્રુઆરી, 2021: વિરોધ કરી રહેલા ખેડૂતોએ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ત્રણ કલાક માટે ‘ચક્કા જામ’ કર્યો હતો.
  • 6 માર્ચ, 2021: દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનના 100 દિવસ પૂરા થયા.
  • 5 જૂન, 2021: વિરોધ કરી રહેલા ખેડૂતોએ કૃષિ કાયદાની જાહેરાતના પ્રથમ વર્ષને ક્રાંતિકારી દિવસ તરીકે ઉજવ્યો.
  • 7 ઓગસ્ટ, 2021: 14 વિરોધ પક્ષોના નેતાઓ સંસદ ભવન ખાતે મળ્યા અને દિલ્હીના જંતર-મંતર ખાતે ‘કિસાન સંસદ’માં જવાનો નિર્ણય કર્યો.
  • 5 સપ્ટેમ્બર, 2021: ખેડૂત નેતાઓએ મુઝફ્ફરનગરમાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું.
  • 22 ઓક્ટોબર, 202: સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રસ્તાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી શકાય નહીં.
  • 29 ઓક્ટોબર, 2021: દિલ્હી પોલીસે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરૂ કર્યું.
  • 19 નવેમ્બર, 2021: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.