November 25, 2024

Team India: ભારત આવવા બાર્બાડોઝથી રવાના થઈ ટીમ ઈન્ડિયા, કાલે પીએમ સાથે મુલાકાત

Team India: છેલ્લા કેટલાય દિવસથી બાર્બાડોઝમાં ફસાયેલી ભારતીય ક્રિકેટ ટીમની વતન વાપસીની સફર શરૂ થઈ ગઈ છે. બાર્બાડોઝમાં બેરિલ વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયાની સાથે સપોર્ટ સ્ટાફ અને અનેક મીડિયાકર્મીઓ પણ છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલા હતા. હવે તેમને લઈને એર ઈન્ડિયાની ફ્લાઇટ AIC24WC (એર ઈન્ડિયા ચેપીયન્સ 24 વર્લ્ડ કપ) કાલે સવાર સુધી ભારત પહોંચશે. રોહિત શર્માની ટીમે શનિવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વિશ્વકપ 2024નું ટાઇટલ જીતી લીધું હતું.

ટીમ રવિવારે ભારત આવવા માટે રવાના થવાની હતી. પરંતુ, બેરિલ વાવાઝોડાને લીધે ટીમે બાર્બાડોઝમાં જ રોકાવું પડ્યું હતું. બાર્બાડોઝમાં વાવાઝોડાના જોખમને જોતાં ત્યાંની સરકારે એરપોર્ટ બંધ કરી દીધું હતું અને તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી હતી. પહેલા એ વાત આવી હતી કે બુધવારે ટીમ ઈન્ડિયા ઘરે આવી શકે છે. જોકે, હવે આખરે ભારતીય ખેલાડીઓ ફ્લાઇટમાં બેસીને ભારત આવવા નીકળી ગયા છે. ખેલાડીઓ ગુરુવારે સવારે 6 વાગે દિલ્હી પહોંચી શકે છે. ત્યારબાદ, ગુરુવારે સવારે 11 વાગે તમામ ભારતીય ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોડી સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન તેઓને સન્માનિત કરશે. આ પહેલા ભારતીય ખેલાડીઓ દિલ્હીમાં રોડશો પણ કરી શકે છે.

ટીમ ઈન્ડિયાને લેવા માટે ચાર્ટર ફ્લાઈટ પહોંચી
ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેએ ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે, જેમાં તે ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. કેપ્શનમાં દુબેએ લખ્યું- હું કંઈક ખાસ લઈને દેશમાં પરત ફરી રહ્યો છું. ભારતીય ટીમે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો.