May 20, 2024

પોલીસ તોડકાંડ: તરલ ભટ્ટના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં કરાશે રજૂ

અમદાવાદ: ગુજરાતના ચકચારી જૂનાગઢ પોલીસના તોડકાંડ મામલે ઝડપાયેલા સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટના આજે રિમાન્ડ પૂરા થશે. કોર્ટે તારીખ 15 અને 16 ના કુલ 26 કલાકના રી-રીમાન્ડ મંજૂર કર્યા હતા. રી-રીમાન્ડ પૂરા થતા તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાાશે.

મળતી માહિતી અનુસાર તાજેતરમાં ગુજરાત ATS એ તોડકાંડ મામલે તરલ ભટ્ટને વધુ રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતાં જૂનાગઢ કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ATS દ્વારા તોડકાંડ મામલે તરલ ભટ્ટની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે, આજે તરલ ભટ્ટના રી-રીમાન્ડ પૂરા થશે. જેને લઇને તરલ ભટ્ટને આજે કોર્ટમાંરજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે કોર્ટે તારીખ 15 અને 16 ના કુલ 26 કલાકના રી-રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જૂનાગઢ તોડકાંડ મામલે પી.આઈ. તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ એજન્સીઓના દરોડા પડ્યા હતાં. તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે ATS ની જુદી-જુદી ટીમો કાર્યરત કરાઇ હતી. જોકે, તોડકાંડના કથિત આરોપી પૂર્વ PIએ આગોતરા જામીન અરજી કરી હતી.. તરલ ભટ્ટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની પણ અરજી કરી હતી અને અરજીમાં તરલ ભટ્ટે જણાવ્યુ હતું કે, આ કેસમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આ સાથે આગોતરા જામીન અરજીમાં પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જુનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.

તે ઉપરાંત જુનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રુપિયા માગ્યા હતા. એકાઉન્ટ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના 80 ટકા રકમની માગણી કરી હતી. બેન્ક દ્વારા ATSને ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે.