તાપીની દિવ્યાંગ દીકરીને 76મા પ્રજાસત્તાક દિવસમાં સહભાગી થવા દિલ્હીનું તેડું
દિપેશ મજલપુરીયા, તાપીઃ 76મા પ્રજાસત્તાક પર્વને લઈને દરેકમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે તાપી જિલ્લામાં રહેતી એક દિવ્યાંગ દીકરીને દિલ્હીમાં યોજાનારા પ્રજાસત્તાક પર્વમાં આમંત્રણ મળતા દીકરી તેના પરિવાર સહિત તેના સગા-સંબંધીમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આ રાષ્ટ્રીય પર્વમાં જવા માટે થનગની રહ્યા છે.
વ્યારાના કાકરાપાર ટાઉનશિપમાં રહેતી આંખે દિવ્યાંગ એવી ગૌરીને 2016ના વર્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવસારીના એક કાર્યક્રમ વેળાએ ગોદમાં ઉઠાવીને રામાયણના પાઠ બોલાવ્યા હતા. ત્યારથી ગૌરી ચર્ચામાં આવી હતી અને મન કી બાત કાર્યક્રમમાં પણ ગૌરી અનેકવાર સહભાગી બની છે.
ગૌરી અને તેની માતાને દિલ્હીમાં યોજાનારા દેશના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં આમંત્રણ મળતા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ દિવ્યાંગોને ખાસ નરેન્દ્ર મોદી સરકારમાં દરેક ક્ષેત્રમાં જે માન-સન્માન મળી રહ્યું છે. તેનો આભાર ગૌરીએ વ્યક્ત કરી જીવનમાં કંઈક કરી છૂટવાની ખેવના મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી અને મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.