January 18, 2025

તમિલનાડુ BSP અધ્યક્ષની હત્યા મામલે કાર્યકર્તાઓનો હંગામો, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

Tamil Nadu BSP: તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના નેતા કે. આર્મસ્ટ્રોંગની હત્યા કરી દેવામાં આવી. ત્યાર બાદથી જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. BSPએ આ મામલે CBI તપાસની માંગ કરી છે. વાસ્તવમાં, આર્મસ્ટ્રોંગની તેમના ઘરની બહાર જ નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે બની હતી જ્યારે તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પોતાના ઘરની બહાર ઊભા હતા. તે જ સમયે બે બાઇક પર સવાર 6 લોકો આવ્યા અને આર્મસ્ટ્રોંગ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો.

આ ઘટનાને લઈને રોષે ભરાયેલા BSP કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલની બહાર રસ્તો રોકી લઈ ચક્કાજામ કર્યો હતો. BSP નેતાની હત્યાને લઈને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ આરોપીઓને ન્યાયના કઠેડામાં લાવીને ઊભા કરવાની અપીલ કરી છે.

કે. આર્મસ્ટ્રોંગની હત્યા મામલે રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલની બહાર પ્રદર્શન કરી રહેલા BSP કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી છે. આ મામલે CBI તપાસની માંગ કરતાં BSP કાર્યકરોએ હોસ્પિટલની બહાર પ્રદર્શન કરીને પુનમલ્લી હાઇ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.

આરોપીઓની કરાઇ ધરપકડ: મુખ્યમંત્રી સ્ટાલિન
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ મામલે કહ્યું, “બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યા આઘાતજનક અને અત્યંત દુઃખદ છે. પોલીસે હત્યામાં સામેલ આરોપીઓની રાતોરાત ધરપકડ કરી લીધી છે. હું આર્મસ્ટ્રોંગની પાર્ટી, પરિવાર, સંબંધીઓ અને મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. મેં પોલીસ અધિકારીઓ ગુનેગારોને કાયદા મુજબ ન્યાયના કઠેડામાં લાવવાનો નિર્દેશ આપ્યો છે.”

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કરતાં આપી પ્રતિક્રિયા
બસપા નેતા કે. આર્મસ્ટ્રોંગની હત્યા પર કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર શોક વ્યક્ત કર્યો. રાહુલે ટ્વિટ કરતાં લખ્યું, “BSP તમિલનાડુ પ્રદેશ અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની ઘાતકી હત્યાથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે.’ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમિલનાડુમાં કોંગ્રેસના નેતાઓ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. મને ખાતરી છે કે સરકાર સુનિશ્ચિત કરશે કે ગુનેગારોને ઝડપથી ન્યાયના કઠેડામાં ઊભા કરી દેવામાં આવશે.”