July 3, 2024

T20 WC 2024: અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યું તો તાલિબાને કર્યા ભારતના વખાણ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ સામેની જીત સાથે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. આ પ્રથમ વખત છે જ્યારે અફઘાન ટીમ આઈસીસી ઇવેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. હવે ટીમ ટાઈટલ જીતવાથી માત્ર બે ડગલાં દૂર છે. સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનની ટીમ બ્રાયન લારા સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

તાલિબાને ભારતનો માન્યો આભાર
અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ તાલિબાને ભારતનો આભાર માન્યો છે. 2021 માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. એક સમયે તાલિબાન પાકિસ્તાનની નજીક માનવામાં આવતું હતું. તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા સુહૈલ શાહીને WION ને કહ્યું, ‘અફઘાન ક્રિકેટ ટીમની ક્ષમતા વધારવામાં ભારતની સતત મદદ માટે અમે તેમના આભારી છીએ. અમે ખરેખર તેમની પ્રશંસા કરીએ છીએ.

આ પણ વાંચો: ઈન્ઝમામ ઉલ હક અને સલીમ મલિકે ભારતની જીત પર થયા લાલચોળ, લગાવ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ

ભારતે રમવા માટે મેદાન પણ આપ્યું
ભારત ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને મદદ કરી રહ્યું છે. ભારતે ખેલાડીઓને તાલીમ આપવા માટે તેના સ્ટેડિયમ ઉપલબ્ધ કરાવ્યા છે. ભારતીય કંપનીઓ પણ તેમને સ્પોન્સર કરે છે. આ ઉપરાંત કંદહાર ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ ભારત સરકારે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 1 મિલિયન ડોલરની મદદ કરી હતી. ભારતે માત્ર મેદાન બનાવવામાં મદદ કરી નથી પરંતુ BCCIએ ગ્રેટર નોઈડામાં શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને અફઘાન ટીમનું કામચલાઉ હોમ ગ્રાઉન્ડ બનાવ્યું છે. તેને દેહરાદૂનમાં બીજું હોમગ્રાઉન્ડ પણ આપવામાં આવ્યું હતું.

અફઘાનિસ્તાનના ખેલાડીઓને IPLમાં તક મળી છે
અફઘાનિસ્તાનના ઘણા ખેલાડીઓને પણ IPLમાં રમવાની તક મળી છે. રાશિદ ખાન 2017થી IPLમાં ભાગ લઈ રહ્યો છે. આ સિવાય ગુલબદિન નાયબ, નૂર અહેમદ, મોહમ્મદ નબી, નવીન ઉલ હક, અઝમતુલ્લા ઉમરઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ, અલ્લાહ ગઝનફર અને મુજીબ ઉર રહેમાન IPL 2024નો ભાગ હતા. ટેસ્ટ પ્લેઇંગ કન્ટ્રીનો દરજ્જો મળ્યા બાદ અફઘાનિસ્તાને તેની પ્રથમ ટેસ્ટ ભારત સામે રમી હતી.