January 15, 2025

સીરિયામાં મોહમ્મદ અલ જોલાનીનું વિજય ભાષણ – આ સીરિયાનું શુદ્ધિકરણ

સીરિયાઃ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના 24 વર્ષ લાંબા શાસનનો માત્ર બે અઠવાડિયામાં અંત કરનારા વિદ્રોહી સંગઠન હયાત તહરિર અલ-શામ (HTS)ના વડા મોહમ્મદ અલ-જોલાનીએ પ્રથમ ભાષણ આપ્યું છે. સીરિયાના મોટા શહેરો પર કબજો મેળવવાને ઐતિહાસિક જીત ગણાવતા જોલાનીએ કહ્યું કે, અમારી જીત સમગ્ર ઇસ્લામિક દેશની જીત છે. તેણે દાવો કર્યો કે સીરિયાનું શુદ્ધિકરણ હવે શરૂ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, બશર અલ-અસદ રવિવારે જ સીરિયામાંથી ભાગી ગયો હતો. થોડા કલાકો પછી તેના રશિયામાં શરણ લેવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. આ દરમિયાન સીરિયામાં એચટીએસે દમાસ્કસ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો અને ત્યારબાદ દેશના મોટા ભાગોમાં લોકો અને બળવાખોરો ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

HTS વડાએ શું કહ્યું?
અબુ મોહમ્મદ અલ-જોલાનીએ રવિવારે દમાસ્કસ પર કબજો કર્યા બાદ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, ‘મારા ભાઈઓ, આ વિજય સમગ્ર પ્રદેશ માટે ઐતિહાસિક છે. આજે સીરિયા શુદ્ધ થઈ રહ્યું છે. આ જીત જેલમાં રહેલા લોકોની પીડામાંથી જન્મી છે અને મુજાહિદ્દીનોએ તેમની સાંકળો તોડી નાખી છે.’ જોલાનીએ ઉમૈયા મસ્જિદમાંથી ટેલિગ્રામ દ્વારા આપવામાં આવેલા ભાષણમાં જણાવ્યું હતું.

જોલાનીએ ઈરાન અને લેબનોનના હિઝબોલ્લા પર નિશાન સાધતા કહ્યુ કે, ‘અસદના નેતૃત્વ હેઠળ સીરિયા ઈરાની મહત્વાકાંક્ષાઓનો ગઢ બની ગયો હતો, જ્યાં સાંપ્રદાયિકતા તેની ચરમસીમા પર હતી.’