December 19, 2024

સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલો, અલ-અસદ સરકાર પાડ્યાનો દાવો

ઈરાન: સીરિયન વિદ્રોહી જૂથ અલ-નુશરા ફ્રન્ટે રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો છે અને બશર અલ-અસદ સરકારને પાડી દીધી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ઈરાનના સરકારી ટેલિવિઝને રવિવારે માહિતી આપી હતી કે, સીરિયામાં તેમના દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો છે. અલ-નુશરા ફ્રન્ટ, જેને હયાત તહરિર અલ-શામ (HTS) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે સૌપ્રથમ દેશના અલેપ્પો શહેર પર કબજો કર્યો હતો. ત્યારબાદ હોમ્સ અને દારા શહેરો પર કબ્જો કર્યો હોવાનો દાવો કર્યો હતો. બળવાખોર જૂથે રાજધાની દમાસ્કસ પર કબજો કરવાની જાહેરાત કરી હતી.

ઈરાની ટીવી ચેનલે અહેવાલ આપ્યો છે કે, કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યો છે. ચેનલે અલ-અરેબિયા નેટવર્કમાંથી વીડિયો ફૂટેજ પણ બહાર પાડ્યા હતા, જે એમ્બેસી કમ્પાઉન્ડની અંદરના હતા. ઈરાનના અખબાર તેહરાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે, હુમલા પહેલા ઈરાની દૂતાવાસમાંથી તમામ ઈરાની રાજદ્વારીઓ સલામત સ્થળે ખસી ગયા હતા. રિપોર્ટ અનુસાર દૂતાવાસનો સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્રોહી જૂથોએ દૂતાવાસ પર હુમલો કર્યો છે. જો કે, આ આરોપને સ્વતંત્ર રીતે સમર્થન મળ્યું નથી.

ઈરાનના અધિકારીઓએ હજુ સુધી બશર અલ-અસદની સરકારના પતન અંગે કોઈ ટિપ્પણી કરી નથી. વિદ્રોહી જૂથોએ શનિવારે તેમની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી હતી. પરંતુ ત્યાં સુધી દમાસ્કસ કબ્જામાં નહોતું. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સીરિયન સરકાર અને વિદ્રોહી જૂથો વચ્ચે મંત્રણા માટે હાકલ કરી હતી.

આ નિવેદન ઈરાનની રણનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. કારણ કે આ પહેલા ઈરાન બળવાખોર જૂથોને આતંકવાદી જૂથો માનતો હતો અને તેમને કાયદેસર વિરોધ તરીકે માનતો ન હતો. સીરિયામાં બળવાખોર જૂથોએ હુમલો તીવ્ર બનાવ્યો હોવાથી અરાઘચીએ 1 ડિસેમ્બરે દમાસ્કસની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત બશર અલ-અસદની છેલ્લી સાર્વજનિક મુલાકાત હતી, જેમાં ઈરાનના અધિકારીઓ સાથે હતા. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ 2 ડિસેમ્બરે બશર અલ-અસદ સાથે ફોન પર વાત કરી હતી અને ઈરાનનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

સીરિયામાં 2011થી ગૃહ યુદ્ધ ચાલુ છે, જેમાં ઈરાને હંમેશા સીરિયાને સમર્થન આપ્યું છે અને બશર અલ-અસદની સરકારની વિનંતી પર લશ્કરી સલાહકારો મોકલ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRG)ના કેટલાક કમાન્ડરો સીરિયામાં માર્યા ગયા હતા, જેમાં કેટલાક ઈઝરાયેલના હુમલામાં સામેલ હતા.