January 16, 2025

સીરિયામાં તમામ ભારતીય નાગરિક સુરક્ષિત, MEAએ એડવાઇઝરી જાહેર કરી

સીરિયાઃ ઇસ્લામિક બળવાખોર જૂથોએ દમાસ્કસ પર કબજો કરી લેતા સીરિયામાં બશર અલ-અસદ સરકાર પડી ગઈ છે. આ દરમિયાન ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય દૂતાવાસ દમાસ્કસમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. એમ્બેસીએ એમ પણ કહ્યું છે કે, તે ભારતીય નાગરિકોની મદદ માટે ઉપલબ્ધ છે.

અગાઉ વિદેશ મંત્રાલયે સીરિયામાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી અને કહ્યું હતું કે, જેઓ છોડી શકે છે તેમણે ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સની મદદથી શક્ય તેટલી વહેલી તકે આમ કરવું જોઈએ. ત્યારે અન્ય લોકોને વિનંતી કરવામાં આવી હતી કે, ત્યાં રહેતા ભારતીયોએ ખાસ કરીને તેમની સલામતી વિશે સાવચેત રહેવું જોઈએ અને બિનજરૂરી હિલચાલ ટાળવી જોઈએ. મંત્રાલયે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 પણ જાહેર કર્યો છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, સીરિયામાં લગભગ 90 ભારતીય નાગરિકો છે, જેમાંથી 14 યુએનની વિવિધ સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, અમારું દૂતાવાસ દમાસ્કસમાં કાર્યરત છે અને દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેઓ સુરક્ષિત છે.

આજે, સીરિયન સરકારના પતન પછી બળવાખોર જૂથોએ રાજધાની દમાસ્કસ પર કબજો મેળવ્યો. અહેવાલો અનુસાર, બશર અલ-અસદ દેશ છોડીને અજ્ઞાત સ્થળે ગયો હતો. આ વિકાસ તેમના પરિવારના પચાસ વર્ષના શાસનનો અંત માનવામાં આવે છે. સીરિયા 2011થી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. 2011માં સીરિયન ગુપ્તચર એજન્સી દ્વારા દારા શહેરમાં શાળાના વિદ્યાર્થીઓના જુલમ બાદ દેશવ્યાપી પ્રદર્શનો થયા હતા. જેણે પાછળથી ગૃહયુદ્ધનું સ્વરૂપ લીધું હતું.