January 16, 2025

CM આવાસના વીડિયો મામલે સ્વાતિની પ્રતિક્રિયા – દર વખતની જેમ રાજકીય હિટમેને…

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાના મામલે નવા ખુલાસા થયા છે. સૌથી પહેલા માલીવાલે મેજિસ્ટ્રેટ સમક્ષ આ મામલે નિવેદન નોંધાવ્યું હતું. ત્યારબાદ 13મી મેની આ ઘટનાનો માલીવાલનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ માલીવાલે પ્રતિક્રિયા આપી છે.

સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, દર વખતની જેમ આ વખતે પણ રાજકીય હિટમેને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તેના લોકોને ટ્વીટ કરાવીને, અધૂરા અને સંદર્ભ વગરના વીડિયો વાયરલ કરીને તેને લાગે છે કે તે આ ગુનામાંથી બચી જશે. શું કોઈ કોઈને મારતો વીડિયો બનાવે? ઘર અને રૂમની અંદરના સીસીટીવી ફૂટેજની તપાસ થતા જ સત્ય બધાની સામે આવશે. જ્યાં સુધી નિમ્ન કક્ષાનો બની શકે છે ત્યાં સુધી બન, ભગવાન બધું જોઈ રહ્યા છે. આજે નહીં તો કાલે સત્ય વિશ્વ સામે આવશે જ.


કથિત વીડિયોમાં શું છે?
13મી મેના રોજ સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલે મારામારી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમાર પર હુમલાના આરોપો લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન શુક્રવારે 13 મેની ઘટનાનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, સ્વાતિ માલીવાલ સીએમ હાઉસની અંદર બેઠી છે, જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે વિભવ પર ગુસ્સે થઈ રહી છે. તેઓ કહે છે કે, આજે હું આ બધા લોકોને કહીશ કે તમે જે ઇચ્છો તે કરો, હું તમારી નોકરી ખાઈ જઈશ… તમે મને હમણાં ડીસીપી સાથે વાત કરાવો. હું પહેલા SHO સિવિલ લાઈન્સ સાથે વાત કરીશ. જે થશે તે અહીં થશે. મને હાથ લગાડ્યો તો તમારી નોકરી ખાઈ જઈશ.

આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓ સ્વાતિને વિનંતી કરતા જોવા મળે છે. તે અંગે સ્વાતિ કહે છે કે, ‘મેં હમણાં જ 112 પર ફોન કર્યો છે, પોલીસ આવવા દો, પછી વાત કરીએ.’ તેના જવાબમાં કર્મચારીઓ કહે છે કે, પોલીસ પણ બહાર સુધી જ આવશે, અહીં નહીં આવે? સ્વાતિ કહે, ના, હવે જે થશે તે અંદર જ થશે, તે અંદર આવશે. જ્યારે કર્મચારીઓ સ્વાતિને બહાર આવવા વિનંતી કરે છે, ત્યારે તે કહે છે, ‘ઉઠાવીને ફેંકી દો… તમે ફેંકી દો… આ ટકલો સાલો…’