સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન, સનાતન ધર્મ સંસ્થાને કહ્યું – પુસ્તક પાછું ખેંચો

દ્વારકાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન છાપાયા બાદ હવે આ સમગ્ર મામલે વિવાદ વકર્યો છે. સનાતન ધર્મ સંસ્થાન અને શંકરાચાર્ય દ્વારા નિવેદનનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.

આ મામલે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યુ હતુ કે, ‘ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુ ભગવાનના અવતાર છે, જે આદિ-અનાદિ છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ શ્રીકૃષ્ણ મંદિરનું નિર્માણ ભગવાન દ્વારકાધીશના પુત્ર અનિરુદ્ધે કર્યું હતું. સનાતન ધર્મની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામ, આપણાં 24 અવતાર, દશાવતાર, સનાતન ધર્મની પરંપરાનો ભાગ છે.’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. સનાતન ધર્મ સંસ્થાને આ મામલે વિવાદિત નિવેદન અને પુસ્તક તાત્કાલિક પાછું ખેંચવામાં આવે તેવી માગણી કરી છે અને જણાવ્યું છે કે, દરેક ધર્મ અને સંપ્રદાયે બીજા ધર્મનું સન્માન કરવું જોઈએ. ભગવાન દ્વારકાધીશ શ્રીકૃષ્ણ દ્વારકામાં નથી, એ નિવેદન સનાતન ધર્મના અનુયાયીઓ સ્વીકાર કરશે નહીં.’