November 23, 2024

સૂર્યા-યશસ્વીની ધમાકેદાર બેટિંગ: ભારતે બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

IND vs SL: IND vs SL Match Report: બીજી T20માં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ભારતને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને ટીમ ઈન્ડિયાએ સીરીઝ જીતી લીધી. ભારત માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. બીજી બાજુ, ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી મહિષા પથિરાના, વેનેન્દુ હસરાંગા અને મથિશા તિક્ષીનાએ 1-1 વિકેટ લીધી હતી.

આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને 162 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ વરસાદને કારણે ટાર્ગેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પછી ભારતીય ટીમને જીતવા માટે 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

વરસાદ બાદ મેચ શરૂ થઈ ત્યારે ભારતને 8 ઓવરમાં 78 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને સૂર્યકુમાર યાદવે સરળતાથી રન બનાવ્યા હતા. ભારતીય ટીમને બીજો ફટકો 51 રનના સ્કોર પર લાગ્યો હતો, જ્યારે સૂર્યકુમાર યાદવ મશિથા પથિરાનાના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત હતી.

આ પછી ભારતીય ટીમને યશસ્વી જયસ્વાલના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. યશસ્વી જયસ્વાલ 15 બોલમાં 30 રન બનાવીને વાનિન્દુ હસરંગાની બોલિંગ પર આઉટ થયો હતો. જ્યારે યશસ્વી જયસ્વાલ આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 65 રન હતો, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમને જીતવા માટે માત્ર 13 રનની જરૂર હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન બનાવીને રમત પૂરી કરી હતી.