September 8, 2024

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રોગચાળો ન ફાટી નીકળે તે માટે સર્વે કામગીરી શરૂ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદના કારણે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે વરસાદ બંધ થતા ખાડીના પાણી ઉતરવા લાગ્યા છે. તો બીજી તરફ રોગચાળો ન ફાટી નીકળે તે માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ઘરે-ઘરે જઈને બીમાર વ્યક્તિઓને શોધવામાં આવી રહ્યા છે. જો કોઈ ઘરમાંથી બીમાર વ્યક્તિ મળે તો તેની તાત્કાલિક જ સ્પોટ પર સારવાર કરવામાં આવે છે અને જો વ્યક્તિની હાલત ગંભીર જણાય તો તેમને નજીકના આરોગ્ય સેન્ટરમાં રિફર કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદના કારણે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે વરસાદ બંધ થતા ખાડીના પાણી ઉતરવા લાગ્યા છે. ખાડી પૂરના પાણી ઉતરતાની સાથે જ સુરતના અલગ અલગ વિસ્તારમાંથી ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી. તેના જ પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જે જે વિસ્તારમાં ખાડીના પાણી ઉતરવા લાગ્યા તે તમામ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ઘૂસ્યા ખાડીના પાણી, પોલીસ સ્ટાફે સફાઈ કામગીરી કરી

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા અલગ-અલગ સોસાયટીઓમાં જઈને ડો-ટુ-ડોર સર્વે કરીને ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે કે નહીં તે બાબતે માહિતી મેળવવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તાત્કાલિક જ આરોગ્ય વિભાગની ટીમની સાથે રહેલા ડોક્ટર દ્વારા બીમાર વ્યક્તિનું નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ જે તે રોગ અનુસાર તેને દવા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ દર્દી વધારે ગંભીર ગણાય તો તેમને તાત્કાલિક જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

સુરતમાં જે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને તેને લઈને રોગચાળો ન વકરે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોળમાં આવ્યું છે. તો બીજી તરફ સુરત મનપા કમિશનર દ્વારા પણ અલગ અલગ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓને દવાના સ્ટોકની સાથે ડોર-ટૂ-ડોર સર્વેની કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને તેને જ લઈને આજે વહેલી સવારથી જે જે વિસ્તારોમાં વરસાદી પાણી તેમજ ખાડી પૂરના પાણી ઉતારવા લાગે છે તે તમામ સોસાયટીઓમાં અને ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા રોગચાળો ન કરે તે માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.