December 27, 2024

વઢવાણમાં 10 મહિના પહેલાં પુલ તૂટ્યો, હજુ સુધી ન બનતા 10 ગામના લોકોને 15 કિલોમીટરનો ધક્કો

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવો નદી પર આવેલો પુલ અંદાજે 10 માસ પહેલાં ધરાશાયી થઈ ગયો હતો. તે સમયે તંત્રના અધિકારીઓ અને ધારાસભ્ય સહીતના આગેવાનો દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની હૈયાધારણા આપી હતી. પરંતુ આ હૈયાધારણા પોકળ સાબિત થઈ છે અને પુલ ધરાશાયી થયાના 10 માસ બાદ આજે પણ ગામલોકો નદીમાં બનાવેલા કાચા ડાયવર્ઝન પરથી પસાર થવા મજબૂર બન્યાં છે.

વઢવાણ તાલુકાના વસ્તડી તેમજ આસપાસનાં 10થી વધુ ગામોને નેશનલ હાઇવે સાથે જોડતો બ્રિજ ગત સપ્ટેમ્બર માસમાં ધરાશાયી થઈ ગયો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ વસ્તડી સહીતના આસપાસનાં ગામોને નેશનલ હાઇવે સાથે જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો. આથી તંત્ર દ્વારા ભોગાવો નદીમાંથી ડાયવર્ઝન આપી કામચલાઉ કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે અને છેલ્લા 10 મહિના કરતાં વધુ સમયથી વસ્તડી, ચુડા સહિતનાં 10થી વધુ ગામના હજારો લોકો નદીમાં બનાવેલા કાચા રસ્તા પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ કુંભારીયા ગામના પાદર ફળિયાના 40 મકાનો ડૂબ્યાં, તંત્ર પાસે મદદની પોકાર

હાલ ચોમાસાના કારણે નદીમાં પુષ્કળ પાણી હોવા છતાં લોકો અહીંથી પસાર થઈ રહ્યાં છે. આ કાચો રસ્તો પણ ઉબડખાબડ અને પથરાળ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વસ્તડી ગામે આવેલા શાળા પણ નદીના સામા કાંઠા તરફ હોવાથી આ જોખમી રસ્તા પરથી વિધાર્થીઓ પણ પસાર થઈ રહ્યાં છે. ભોગાવો નદીમાં હાલ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયેલા છે. ત્યારે ઉપરવાસમાં જો વધુ વરસાદ થાય તો ભોગાવો નદીમાં વધુ પાણી આવે તો આ કાચો રસ્તો તુરંત ધોવાઈ જાય ત્યારે વસ્તડી સહીતના 10થી વધુ ગામના લોકોને હાઇવે તરફ તેમજ સુરેન્દ્રનગર જવા માટે 10થી 15 કિલોમીટરનો ધરમધક્કો ખાવાની નોબત આવે તેમ છે.

આ પણ વાંચોઃ યુવકને તાલિબાની સજા, રોડ પર ઢસડી ચાર રસ્તે લઈ જઈ લાકડી-દંડાથી માર્યો!

વસ્તડીનો પુલ ધરાશાયી થયો તે સમયે ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી નવા બ્રિજ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.