November 22, 2024

થાનના સરસાણામાં પ્રેમ પ્રકરણ મામલે હુમલો, વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ થાન તાલુકાના સરસાણા ગામની સીમમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈ અને તેના પૂર્વ પતિ સહિત ત્રણ લોકોએ છરી, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં બે મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી પિતા-પુત્રનું ગઈકાલે મોત નીપજ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે.

થાનના સરસાણા ગામની સીમ વાડીમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ભાવેશભાઈ ઘૂઘાભાઈએ એક પરણીત સાથે મૈત્રી કરારથી રહેતા હતા. એ વાતનું મન દુઃખ રાખી પ્રેમિકાના ભાઈ તેના પૂર્વ પતિ અને તેના કાકાજી સહિતનાઓ દ્વારા વાડી વિસ્તારમાં આવી અને છરી ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભાવેશભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અન્ય ઇજાગ્રસ્ત અને સારવાર માટે પ્રથમ થાન અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે ઘૂઘાભાઈનું મોત નીપજ્યું હતું. આમ ગઈકાલે પિતા-પુત્રના મોત નિપજ્યું હતું અને ભાવેશભાઈની માતા મંજુબેન અને તેની પ્રેમિકા સંગીતાને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેના પર છરી વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો.

ગંભીર રીતે ઘાયલ થયેલા મંજુબેનનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નીપજ્યું છે. ત્યારે આમ આ ડબલ હત્યાનો બનાવ ટ્રીપલ હત્યામાં ફેરવાયો હતો. ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ હુમલો કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી તેમજ પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસે દિનેશ સુખાભાઈ સબળીયા, દિનેશભાઈ નાનજીભાઈ સાપરા, જેશાભાઈ નરશીભાઇ સાપરા સહિત ત્રણે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ હોવાનું પૂછપરછ દરમિયાન ખુલવા પામ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.