December 19, 2024

કાઠી દરબારોના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ, નવાગામથી સૂરજદેવળ સુધી રથયાત્રા કાઢી

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સૂરજદેવળ ખાતે કાઠી દરબારો સાડા ત્રણ દિવસનાં ઉપવાસ કરશે. જે અંતર્ગત મોટી સંખ્યામાં કાઠી દરબારો સૂર્યનારાયણ ભગવાનના રથ સાથે હજારોની સંખ્યામાં ઘોડેસવારી કરીને નવા સૂરજદેવળ પહોંચ્યા હતા. જેમાં ચોટીલાના નવાગામથી નવા સૂરજદેવળ મંદિર સુધી સૂર્યનારાયણ ભગવાની રથયાત્રા કાઢવામાં આવી હતી.

કાઠી સમાજ દ્વારા દરવર્ષની જેમ વૈશાખ સુદ એકમથી ચોથનાં બપોરે પારણાં કરી સાડાત્રણ દિવસનાં ઉપવાસ સૂર્યસ્થાને કરે છે. જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલા નવા સૂરજદેવળ તેમજ થાનગઢ પાસે આવેલા જૂના સૂરજદેવળ સ્થાને ઉપવાસીઓ જોવાં મળે છે. ઘણાં લોકો અનુકૂળતા મુજબ નજીકનાં આશ્રમોએ અને ઘરે પણ ઉપવાસ કરતા હોય છે. ફક્ત પાણી લઈ સાડા ત્રણ દિવસના ઉપવાસ કરતા હોય છે અને ત્યારબાદ તેના પારણાં સમગ્ર કાઠી સમાજ એકત્રિત થઈ કરે છે.

સૂર્ય ઉપાસના વૈદિકકાલથી પ્રચલિત છે, જેમાં સુર્યને જગતચક્ષુ-જગત આત્મા પણ કહે છે. સૂર્ય ઉપાસના 11મી સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી. પ્રભાસક્ષેત્રમાં 12 સૂર્યમંદિરો હતા. પરંતુ ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતાં ગયા પણ કાઠી દરબારો આજે પણ સૂર્યને ઇષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે. ત્યારે કાઠી સમાજ દ્વારા સાડા ત્રણ દિવસ ઉપવાસ કરી છે. આ સાડા ત્રણ દિવસના ઉપવાસ પાછળ જે-તે સમયે સૂરજદાદાએ યુદ્ધમાં કાઠી સમાજનું રક્ષણ કર્યું હતું. તેને લઈને પૂર્વજોની યાદમાં કાઠી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં સાડા ત્રણ દિવસ ઉપવાસ રાખે છે અને 3:30 દિવસના ઉપવાસ બાદ હોમ-હવન અને મંદિર ઉપર ધ્વજારોહણ કરી ઉપવાસની પૂર્ણાહુતિ કરે છે.

સૂર્ય ઉપાસના કરી સાડા ત્રણ દિવસ નકોરડા એટલે કે ફક્ત પાણી ઉપર રહી ઉપવાસ કરવામાં આવે છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં પણ કાઠી સમાજના અને સૂરજદાદાના ભક્તો મોટી સંખ્યામાં ઉપવાસમાં જોડાયા હતા.