September 12, 2024

સુરેન્દ્રનગરમાં સુપ્રીમના નિર્ણયનો વિરોધ, SC-ST સમાજે ટ્રેન રોકી સૂત્રોચ્ચાર કર્યા

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે ચુકાદાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શહેરના 80 ફૂટ રોડથી ટાવર ચોક સુધી રેલી યોજવામાં આવી હતી. તેમજ ગણપતિ ફાટસર વિસ્તારમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા ટ્રેન રોકી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત મુદ્દે ચુકાદો આપવામાં આવ્યો છે. તેને લઇને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 21 ઓગષ્ટે સુરેન્દ્રનગરમાં બંધનું એલાન તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર મારૂતિ પાર્કથી ભવ્ય રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ રેલી શહેરના બસ સ્ટેશન રોડ, આર્ટ્સ કોલેજ રોડ, આંબેડકર ચોક, ટાવર ચોક સહિતના મુખ્ય રસ્તાઓ પર ફરી હતી. જ્યારે બીજી તરફ ગણપતિ ફાટસર વિસ્તારમાં અનુસૂચિત જાતિના સમાજના લોકો દ્વારા રેલ્વે ટ્રેક પર બેસીને ટ્રેન રોકી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અંદાજે બે કલાક સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જ્યારે રેલ્વે ટ્રેક પર ચક્કાજામ કરતા વઢવાણ પોલીસ ટીમનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ દ્વારા અંદાજે બે કલાકની સમજાવટ દ્વારા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સરકાર દ્વારા આ અનામતના ચુકાદા મામલે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર દેશભરમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.