September 19, 2024

સાયલામાં 20 દિવસે પાણી મળતા ગ્રામજનોની હાલત કફોડી, ડેમ તળિયાઝાટક

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા ગામમાં લોકોને પીવાનું પાણી 20 દિવસે મળતા ગ્રામજનોની હલત કફોડી બની છે.ત્યારે ભરચોમાસે સાયલાને પાણી પૂરું પાડતો થોરીયાળી ડેમ છેલ્લાં 6 મહિનાથી તળિયાઝાટક જોવા મળી રહ્યો છે. જેને લઇ સાયલા ગામને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આગામી ઉનાળાના સમયમાં પીવાના પાણી માટે ગામજનોને વલખાં મારવાનો વારો આવશે.

સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ધોળીધજા ડેમ રિઝર્વ તરીકે રાખવામાં આવેલો છે અને આ ડેમમાં નર્મદાનું પાણી ભરી સૌરાષ્ટ્ર અને કચ્છને પૂરું પાડવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ગ્રામજનોને પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.20 દિવસે ગામોમાં પીવાનું પાણી મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે.

સાયલા ગામને થોરીયાળી ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમ છેલ્લા છ માસથી તળીયાઝાટક જોવા મળી રહ્યો છે. ત્યારે સાયલા ગામમાં ચૂંટણી વખતે દર વર્ષે વાયદા કરવામાં આવે છે કે, પાણી સમસ્યાનો હલ કરવામાં આવશે તેવું રાજકીય આગેવાનો અને ધારાસભ્ય નેતાઓ દ્વારા કહેવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈપણ કામગીરી પાણી લક્ષી ન થતી હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

ત્યારે આ થોડીયાળી ડેમમાં અગાઉ મંત્રીયઓ દ્વારા નર્મદાના કળશ ઠલવી અને આ ડેમ ભરવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ 8 વર્ષ થવા છતાં આજ સુધી થોરીયાળી ડેમ ભરાયો નથી અને ગ્રામજનોને પીવાનું પાણી મળી રહ્યું નથી. હાલ તો વખતપર જૂથ યોજના, સૌની યોજના થકી પાણી આપવામાં આવે છે પરંતુ તે માત્ર 20% જ પાણી મળતા શહેરીજનોને 20થી 25 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરથી સાયલા સુધી નવી એક્સપ્રેસ લાઇનથી પાણી સાયલા ગામ અને 250થી વધુ ગામોને પાણી માટેની તંત્ર દ્વારા વાતો કરવામાં આવી ગઈ છે. ત્યારે હાલ જોવા જઈએ તો આ કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલુ છે. ત્યારે પાઇપલાઇન તો નંખાઈ ગઈ છે, પરંતુ સંપ અને ફિલ્ટર પ્લાન સહિતની કામગીરી હજુ ગોકળગતિએ કામગીરી ચાલુ હોવાનું ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે.

આ અંગે જિલ્લા કલેકટર કેસી સંપટે જણાવ્યું હતું કે, ત્રણ માસની અંદર કામગીરી પૂર્ણ થશે અને સાયલા સહિત 250 ગામોને પીવાનું પાણી મળી રહેશે. પરંતુ હાલ તો જોવું રહ્યું કે સાયલા ગામને ક્યારે પીવાનું પાણી મળે છે. શું આમાં કોઈ રાજકીય ઈશારે ગામને પાણી નથી મળતું તેઓ પણ આપશે ગ્રામજનો કરી રહ્યા છે. હજી તો ભરચોમાસે જ આવી પરિસ્થિતિ છે અને 20 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ઉનાળામાં સાયલા ગામને વિકટ પરિસ્થિતિ સર્જાશે અને સ્થાનિક લોકો ને હિજરત કરવાનો વારો આવશે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.