ટીકરના 80થી વધુ ખેડૂતોનો પાક નિષ્ફળ, વારંવાર સરકારને રજૂઆત છતાં પરિણામ શૂન્ય!
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ મુળી તાલુકાના ટીકર ગામમાં 80થી વધુ ખેડૂતોના ત્રણ હજાર વીઘામાં પાણી ન ઓસરતા ખેડૂતોએ વાવેલા કપાસ, મગ, અડદ, તલ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા કલેક્ટર, મામલતદાર અને મુખ્યમંત્રી પોર્ટલમાં પણ કરી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પાણીનો નિકાલ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા સાર્વત્રિક વરસાદના પગલે ખેતરોમાં પાણી ભર્યા હતા. ત્યારે મુળી તાલુકામાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ટીકર ગામમાં ભારે વરસાદના કારણે ગામનું રાજાસર તળાવ ઓવરફ્લો થયું હતું. આસપાસના ખેતરોના માલિકો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તંત્રએ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરી નહોતી. જેના કારણે આસપાસના અંદાજે 80થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
80 ખેડૂતોના ખેતરોમાં અંદાજે 3000 વીઘા ખતરોમાં કેડ સમા પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ મહામહેનતે મોંઘા ભાવના બિયારણ અને દવાના ખર્ચ કરી અને કપાસ, મગફળી, અડદ, મગ, તલ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો દ્વારા કલેક્ટર મામલતદાર સહિત રજૂઆત કરવામાં આવી છે.
આ વર્ષે પણ રજૂઆત કરી અને મુખ્યમંત્રી ફરિયાદ પોર્ટલમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ખરીફ પાકમાં પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં રવિ પાક પણ વાવી શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતોની માગ છે કે, આ પાણીનો નિકાલ કરવામાં આવે તો તેમની કાયમી સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે. નહીંતર ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.