May 19, 2024

સુરેન્દ્રનગરના યુવાનની શહીદ દિવસે વીર સપૂતોને અનોખી શ્રદ્ધાંજલિ

Surendranagar man tribute on shahid diwas give all earnings of a day to shahid families

સુરેન્દ્રનગરના યુવાને અનોખી રીતે વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે શહીદોને વિરાંજલી આપવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટીંગનું સલૂન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં આજના દિવસની હેર કટિંગ અને શેવિંગની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી અનોખી રીતે વિરાંજલી અર્પણ કરી હતી.

સમગ્ર દેશમાં આજે શહીદ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરી વિરાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. આજના દિવસે ભારતના વીર સપૂતો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સ્વતંત્રતા સંગ્રામની લડાઈ માટે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે આઝાદીના લડવૈયા એવા શહીદોને આજે 23 માર્ચના રોજ ઠેર-ઠેર વિરાંજલી આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂનની દુકાન ધરાવતા યુવક રવીનભાઈ જાદવે શહિદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર

યુવક રવિનભાઈ જાદવ અને તેમની ટીમના અંદાજે 20 મિત્રો દ્વારા આજના દિવસની હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી હતી. છેલ્લા 7 વર્ષથી દર વર્ષે શહીદ દિવસે યુવક રવિનભાઈ દ્વારા એક દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 1.50થી 2 લાખ રૂપિયા જેટલી રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી છે. ત્યારે આજના શહીદ દિવસે પણ સવારથી સાંજ સુધીની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી દેશભક્તિ દર્શાવી હતી.

આ પણ વાંચોઃ ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની જાહેરાત, 15 મિનિટમાં જ FB પોસ્ટ ડિલીટ

યુવાનો, આર્મી જવાનો, નિવૃત આર્મી જવાનો સહિત શહેરીજનોએ પણ યુવકની દેશ ભક્તિની ભાવનાને બિરદાવી હતી અને પોતે સ્વૈચ્છિક આજે શહીદ દિવસના રોજ હેર કટિંગ અને શેવિંગ કરાવી યથાશક્તિ મુજબ યોગદાન આપી શહીદ પરિવારોને મદદરૂપ થઈ વીરાંજલી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ટીમના 20 મિત્રો પણ પોતાનો હેર કટિંગનો વ્યવસાય બંધ રાખી શહીદ દિવસને દિવસે રવીનભાઈને મદદરૂપ થાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ કાર્યમાં સહભાગી થયા હતા.