December 27, 2024

લીંબડીમાં અધિકારીઓની લાલિયાવાડી, વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલ ધૂળ ખાય છે!

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ લીંબડી તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9, 10ના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સાયકલ વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ સાયકલ સ્કૂલ ચાલુ થયાના બે માસ થવા છતાં કોઈપણ વિદ્યાર્થીઓને આપી નથી. આ 2500થી વધુ સાયકલ સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં ધૂળ ખાય છે.

સરકાર દ્વારા સરસ્વતી સાધના હેઠળ અનુસૂચિત જાતિ તેમજ પછાત વર્ગની વિદ્યાર્થીનીઓ માટે વિના મૂલ્ય સાયકલનું વિતરણ કરવામાં આવે છે. જેમાં ધોરણ નવ અને 10ની વિદ્યાર્થીઓને તેના ઘરેથી દૂર સ્કૂલ હોવાથી સરકાર દ્વારા સાયકલનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ લીંબડી તાલુકામાં આ વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાયકલોનું વિતરણ શરૂ થયાના બે માસ થવા છતાં વિતરણ કરવામાં આવ્યું નથી.

ઘરેથી દૂર સ્કૂલે આવતી વિદ્યાર્થિનીઓને સ્કૂલે જવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે લીંબડી તાલુકા પંચાયતના જુના બિલ્ડિંગમાં આ સાયકલો 2500થી વધુ સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી ખુલ્લામાં આ સાયકલો પડી છે. જેથી સાયકલો બગડે તે પહેલાં વિતરણ કરવામાં આવે તેવી વાલીઓ અને સ્થાનિક લોકોની માગ છે.

ન્યૂઝ કેપિટલ દ્વારા સમાજ કલ્યાણ અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘અમને હેન્ડ ઓવર કરવામાં આવી નથી. જો હેન્ડ ઓવર કરવામાં આવે તો અમે તાત્કાલિક ધોરણે સાયકલનું વિતરણ કરીશું. ઉપરથી અમને હેન્ડ ઓવરની કોઈ સૂચના આવી નથી, પણ જેમ બને તેમ તાત્કાલિક સાયકલ વિતરણ થાય તે માટેના પ્રયાસો હાથ ધરીશું.’