સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, વર્ષમાં 10 શ્રમિકોનાં મોત છતાં તંત્ર નિંદ્રામાં!
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ મોટાપાયે ચોરી કરવામાં આવે છે. ત્યારે આ કાર્બોસેલની ખાણના કૂવામાં અનેક મજૂરોનાં મોત નીપજ્યા છે. ત્યારે તંત્ર દ્વારા એક વર્ષમાં 10 મજૂરોનાં મોત અને અત્યાર સુધીમાં 500 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખાન, મુળી, સાયલા સહિતના પંથકમાં મોટાપાયે ખનીજ જમીનમાં ધરબાયેલું છે. જેમાં કાર્બોસેલ સફેદ માટી બ્લેક ટ્રેપ કપચી આ પંથકમાં મળી આવે છે. ત્યારે માથાભારે અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કાર્બોસેલ સહિત ખનીજ ચોરી કરતા હોય છે. તેની ફરિયાદ અનેક વખત ઉઠવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિક દ્વારા શ્રમિકોનાં મોત મામલે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી અર્ધનગ્ન તેમજ ઉઘાડા પગે કલેકટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી, પરંતુ કલેક્ટર હાજર ન હોવાથી આ અરજદાર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ અર્ધનગ્ન અવસ્થામાં બેસી ગયા હતા અને પાંચ કલાક બાદ ચીટનીશ દ્વારા નીચે આવી અને અરજદારની આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ‘શ્રમિકોના મોત મામલે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે. તેમજ સીટની રચના કરવામાં આવે અને જે મુળીના પીએસઆઇએ સમિટના મોત મામલે ભાજપના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ પીએસઆઇની બદલી કરવામાં આવી હતી. મુળીથી જોરાવરનગર બદલી કરી છે તે રોકવામાં આવે.’
આ કાર્બોસિલની ખાણમાં થાન પંથકમાં એક જ વર્ષમાં સરકારી આંકડા મુજબ 10થી વધુ શ્રમિકોનાં મોત નીપજ્યા છે અને તંત્ર દ્વારા 500 કરોડથી પણ વધુનો કાર્બોસેલ રેતી અને સફેદ માટી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી અને સીઝ કરવામાં આવ્યો છે. આમ, ગેરકાયદેસર ખનન કરતા બે વ્યક્તિઓને તંત્ર દ્વારા 2 વ્યક્તિઓ વિરૂદ્ધ પાસા અને 129 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, છતાં પણ કોઈપણ જાતના રોકટોક વગર ખનીજ માફિયાઓ દ્વારા મોટાપાયે ખનીજ ચોરી કરે છે.
હાલમાં પાંચ શ્રમિકોના મોત બાદ તંત્ર સફળું જાગ્યું છે અને થાન મૂળી અને સાયલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં ક્લાસ વન અધિકારી સહિત ગ્રામજનોને આવી ગેરકાયદેસર ખાણો ચાલતી હોય તેની જાણકારી અને લોકો પણ પોતાના જીવનાં જોખમે અને સેફ્ટી સાધનો વગર આવા કામ ન કરે તે માટેના લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણોમાં અત્યાર સુધીમાં છેલ્લા છ માસમાં જ 20થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે તંત્ર દ્વારા એક જ વર્ષમાં 10 મોતની પંજા હોવાનો દાવો કરી રહી છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા 20થી વધુ મજૂરોનાં છેલ્લા છ માસમાં મોત નીપજ્યા છે. ત્યારે તંત્રની સામે પણ કામગીરીને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ખનીજ માફિયાઓ દ્વારા જે શ્રમિકોનાં મોત થાય છે તેની લાશને પણ સગેવગે કરી દેવામાં આવે છે અને જે પણ ફરિયાદ કરે છે તેમના પરિવારજનોને કોઈપણ કામ ધંધો પણ ન આપવામાં આવતો હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈ કોઈ ફરિયાદ કરવા પણ કોઈ સામે આવતું નથી અને ફરિયાદ કરેલી હોય તેમને આ ખનીજ માફિયાઓ દ્વારા દબાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને બેરોકટોક ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે અને આ ખનીજ ચોરીની પાછળ મોટા રાજકીય નેતાઓ હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે.