સુરેન્દ્રનગરના ખેડૂતોમાં નારાજગી, જીરાનો ભાવ ઘટતા આર્થિક નુકસાનની શક્યતા

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં જીરુંની આવક શરૂ થતાં જ ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા. જીરૂના ભાવ 5200 રૂપિયાથી ઘટીને ચાર હજારની આસપાસ જોવા મળી રહ્યા છે. ઉત્પાદનની સામે ભાવઘટાડો જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. બજારમાં પાક આવતા સમયે ભાવઘટાડો થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળું વાવેતરમાં ખેડૂતોએ જીરૂની સારી આવકની આશાએ વાવેતર કર્યું હતું. આ ઉપરાંત ઘઉં, ચણા, જીરુંના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લાના ખેડૂતોએ 71,120 હેક્ટરમાં જીરાના પાકનું વાવેતર કર્યું હતું. ત્યારે પાક ઉતારવાના સમયે જ ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
પહેલા પાકનું વાવેતર કર્યું ત્યારે 5200ની આસપાસ જીરુના ભાવ હતા, ત્યારે ખેડૂતોએ સારા ભાવની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું. પરંતુ હાલ જીરાના ભાવમાં ઘટીને હાલ 4,000ની આસપાસ જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ મહામહેનતે વાવેલા જીરા સહિતના પાકોમાં ખાતર બિયારણ સહિતનો ખર્ચો કર્યો છે અને હવે પૂરા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન થવાનો વારો આવ્યો છે. ખેડૂતોની એવી માગ છે કે, જીરૂનાં યોગ્ય ભાવ આપવામાં આવે અને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ ટેકાના ભાવ પણ વધારવામાં આવે.