May 20, 2024

સુરેન્દ્રનગર વિકાસથી વંચિત! નથી પ્રાથમિક સુવિધા કે નથી ઉદ્યોગ-રોજગારી

Surendranagar deprived of development Neither primary facilities nor industry-employment

પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે સુરેન્દ્રનગર જિલ્લો. આ જિલ્લો વિકાસથી વંચિત જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ ઉદ્યોગ-રોજગારી કે ફરવાલાયક સ્થળ પણ નથી. જેને લઈ અહીંથી આસપાસના જિલ્લા અમદાવાદ રાજકોટ બરોડામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં ઉદ્યોગો હાલત કફોડી છે. જીઆઇડીસી વિસ્તારમાં રોડ રસ્તા પણ ઉમરખાબડ છે. જેનાથી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં નાના મોટા 600 જેટલા ઉદ્યોગો આવેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી રોજગાર માટે યુવાનોને આસપાસના જિલ્લામાં જવું પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈપણ મોટા ઉદ્યોગો ન હોવાથી બેરોજગાર યુવાનોને રોજગારી માટે સારું પ્લેટફોર્મ મળી રહ્યું નથી.

શહેરી વિસ્તારમાં રોડ રસ્તા તેમજ સીટી બસની સમસ્યાને લઈ સિનિયર સિટીઝન શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પાણીની સમસ્યા પણ મોટી છે. ત્રણ દિવસે પાણી આપવામાં આવે છે. શહેરમાં કોઈ પ્રાથમિક સુવિધા નહીં હોવાથી અનેકવાર નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા છતાં લોકોની સમસ્યાનો ઉકેલ આવતો નથી.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પાણી તેમજ એસટી બસની સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ ગામડાઓમાં ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં આવે છે.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારની વાત કરવામાં આવે તો, લોકસભા 2019માં સુરેન્દ્રનગર જિલ્લાની કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો પણ કોંગ્રેસ પ્રસ્તાવ હતી. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂર્વ કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની જીત થઈ હતી. આ વખતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત પણ ભાજપના હાથમાં છે. એટલે તે જોતા એવું પણ લાગી રહ્યું છે કે, આ વખતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે અને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તળપદા કોળી સમાજનાં અને બીજેપીના ચુવાળીયા કોળીના ઉમેદવાર વચ્ચે બરાબરીનો જંગ જામશે.

કચ્છના નાના રણ પાટડીમાં 15 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે અને રણમાં કામ કરતા અગરિયાઓને આરોગ્યની સુવિદ્યા, પાણી અને 40-45 ડિગ્રી તાપમાન કામ કરે તે માટે તંબુની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી અગરિયાઓની માગણી છે.