January 19, 2025

ઓનલાઈન કમાણીની લાલચમાં ફસાયો સુરતી યુવાન, આરોપીની અમદાવાદમાં ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો પોતાના મોબાઈલ થકી અલગ-અલગ હોટલના રેટિંગ આપી ઉપરાંત અલગ-અલગ ટાસ્ક પૂરા કરીને સારું વળતર મેળવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ફરિયાદીને અલગ-અલગ હોટલમાં રેટિંગ આપવા તેમજ બીટકોઈન બાય-સેલ કરવાનો ટાસ્ક પૂરો કરીને સારું કમીશન મળશે તેવી લાલચ આપી અલગ-અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી 5,24,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી અને આ ઘટનાને લઇ સુરત સાયબર ક્રાઈમ એક ઈસમની ધરપકડ કરી છે.

સુરતના એક વ્યક્તિને સોશિયલ મીડિયા પર પાર્ટ ટાઈમ વર્ક ફોર્મ આપવાનું જણાવી Google મેપ પર હોટલના રેટિંગ તેમજ રિવ્યુ આપવાનો ટાસ્ક પૂરો કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચો ઓનલાઇન અજાણ્યા ઇસમો દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ સુરતના આ વ્યક્તિએ અજાણ્યા ઇસમ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરીને હોટલ રેટિંગનો ટાસ્ક પૂરો કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરની સાયબર ક્રાઈમની ટોળકી સાથે ધરપકડ

પહેલો ટાસ્ક પૂરો કરવાના તેને 1200 રૂપિયા મળ્યા હતા અને ત્યારબાદ સુરતના વ્યક્તિને અન્ય એક વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમ જ આ વેબસાઈટમાં એક આઈડી બનાવી બીટકોઈનના બાઈ અને સેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક પૂરો કરી વધુ રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી. આ ટાસ્ક પૂરો કરવા માટે ફરિયાદીને સૌપ્રથમ પૈસા ભરવા પડશે તેવું જણાવ્યું હતું. તેથી સુરતના આ વ્યક્તિએ અજાણ્યાના કહેવા અનુસાર અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં 5,50,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ અજાણ્યા ઇસમો દ્વારા આ પૈસામાંથી માત્ર 24,276 રૂપિયા સુરતના વ્યક્તિને પરત આપવામાં આવ્યા હતા અને અન્ય 5,24,000 રૂપિયા પરત આપવામાં આવ્યા ન હતા. તેથી પોતે છેતરાય હોવાનું માલુમ થતાં તેમના સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.

સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અમદાવાદના જોધપુર ગામ પાસે આવેલા સ્નેહશીલ ફ્લેટમાં રહેતા વિરેનકુમાર સથવારાની ધરપકડ કરી છે. વિરેનકુમાર સથવારાની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેને પોતાનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું બેન્ક એકાઉન્ટ 15,000 રૂપિયાનું કમિશન લઈ ટેલિગ્રામ આઈડી તેમજ ટેલિગ્રામ ગ્રુપ ઉપર કોઈને વેચી દીધું હતું. આરોપી દ્વારા આ બેંક એકાઉન્ટમાં છેતરપિંડી કરવા બાબતે એક ફરિયાદ દાખલ થઈ છે અને આ બેન્ક એકાઉન્ટમાં 3 જાન્યુઆરી 2024થી 5 જાન્યુઆરી 2024 સુધી 4,35,725ના ટ્રાન્ઝેક્શન થયા છે. તો બીજી તરફ સુરત સાયબર ક્રાઈમ દ્વારા અલગ અલગ બેન્ક એકાઉન્ટ 1,32,000 રૂપિયા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે.