સુરતમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 14 લાખ રૂપિયા પડાવ્યા, મહિલાની ધરપકડ, એક વોન્ટેડ

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં પુણા વિસ્તારના સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલા સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સામાજિક આગેવાન બનીને ફરતા પ્રવીણ ભાલાળા અને દક્ષા નામની મહિલાએ સાથે મળી ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે દિવ્યા ઉર્ફે દક્ષાની ધરપકડ કરી છે અને પ્રવીણ ભાલાળાને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા હિતેશ બોરડ નામના વ્યક્તિ કે જેનો સંપર્ક સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભાલાળા સાથે થયો હતો. હિતેશ અને પ્રવીણ ભાલાળાનો સંપર્ક સારો હોવાના કારણે બંને એકબીજાના મિત્રો બન્યા હતા. ત્યાર બાદ પ્રવીણ ભાલાળાએ દિવ્યા નામની મહિલા સાથે ગુનાહિત કાવતરૂ રચ્યુ હતું અને દિવ્યા પાસે ફરિયાદી હિતેશ બોરડને ફોન કરાવ્યો હતો અને લોનના બહાને ફોન કરાવ્યા બાદ દિવ્યાએ હિતેશને મળવા બોલાવ્યો હતો.
હિતેશ બોરડ દિવ્યાને મળવા ગયો ત્યાર બાદ દિવ્યાએ હિતેશને પોતાની જાળમાં ફસાવી લીધો. ત્યાર બાદ પ્રવીણ ભાલાળાએ આ બંનેના વીડિયો મોબાઇલમાં ઉતારી લીધા બાદ ફરિયાદી હિતેશને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, તું દક્ષા સાથે હોટલમાં ગયો છે અને દક્ષા અને તેના પરિવારના સભ્યો તને રેપ કેસમાં ફસાવી દેશે અને સમાજમાં તારી બદનામી કરશે. પ્રવીણ ભાલાળા દ્વારા આ પ્રકારની ધમકીઓ આપીને ફરિયાદી હિતેશ બોરડ પાસેથી 14 લાખ રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી.
પ્રવીણ ભાલાળા અને દિવ્યા સાથે મળેલા હોવાની જાણ ફરિયાદી હિતેશને થઈ હોવાના કારણે હિતેશ દ્વારા આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વરાછા પોલીસે ગુનો દાખલ કરી હિતેશ બોરડને હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા ઉર્ફે દક્ષાની ધરપકડ કરી છે. તો બીજી તરફ સામાજિક આગેવાન બનીને ફરતા પ્રવીણ ભાલાળા પોતાના પરિવાર સાથે ફરાર થઈ ગયો હોવાના કારણે પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે.